દાહોદના તબીબે અંડાશયની 6.5 કિલોની ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી
દાહોદ, દાહોદના એક તબીબે દર્દીની અતિવિશેષ શારીરિક સ્થિતિમાં પણ 6.5 કિલોની અંડાશયની ગાંઠ કોઈપણ ચીરકાપ વિના વજાયનલ સર્જરીથી દૂર કરીને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઓપરેશન નોંધ કરાવ્યું છે. દાહોદના આ તબીબ સ્કાર વિના આ પ્રકારની સર્જરી કરનારા એશિયાના 48 દેશમાં પ્રથમ તબીબ છે.
દાહોદના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રાહુલ પડવાલે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દાહોદ નજીકના મધ્યપ્રદેશના સરહદી ગામની 101 કિગ્રા જેટલું વજન ધરાવતી 42 વર્ષીય મહિલાને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલા પરીક્ષણમાં મોટા અંડાશયમાં લગભગ 30થી 40 સેમી. કદની ગાંઠ હોવાનું નોંધાયું હતું.
વિશેષ વાત તો એ હતી કે આ મહિલાનું મેદસ્વીતાના લીધે એમઆરઆઇ પણ શક્ય નહોતું. ત્યારે દાહોદના તબીબ ડો. રાહુલ પડવાલે આ દર્દીને વજાયનલ સર્જરીની અઘરી ગણાતી પદ્ધતિથી સર્જરી કરીને શરીરમાંથી 6.1 લિટર પ્રવાહી અને 400 ગ્રામ જેટલું વજન ધરાવતા ઘન ભાગને મળી આશરે 6.5 કિગ્રાની ગાંઠ દૂર કરી સફળતા મેળવી હતી.
ઓપરેશન અંતર્ગત આધુનિક વીડિયો લેરીન્ગોસ્કોપ મશીનની મદદથી વેસેલ સિલર મૂકવામાં આવી હતી. ત્યારે દર્દીની બેહોશી શક્ય બનતાં ઓપરેશન શક્ય બન્યું હતું.
યોનિમાર્ગ દ્વારા એકપણ ટાંકા વગર ‘નેચરલ ઓરિફાઇસિસ’ પદ્ધતિને અનુસરીને એમાં રહેલી મસમોટી ગાંઠ સાથે ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં વેસલ સિલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના લીધે ટાંકા જ લેવા નથી પડતા.
આ પદ્ધતિમાં ઓપરેશન બાદ દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો. તો આ દર્દીને બીજા જ દિવસે ડિસ્ચાર્જ પણ આપી દેવાયો હતો. આ મહિલાના અત્યંત મેદસ્વી શરીરની સાથે સાથે તેના ગળાનો ભાગ પણ ખૂબ જ જાડો અને સાંકડો હોઈ, તેમાંથી દર્દીને બેભાન કરવા માટેની નળી શ્વાસનળીમાં નખાય એવી સંભાવના જ નહોતી.
ડો. પડવાલે જણાવ્યું હતું કે આ મહિલા દર્દી દાહોદના એક્સ-રે હાઉસ ખાતેના એમ.આર.આઈ. મશીનમાં વધુપડતી મેદસ્વીતાને કારણે ફસાઈ જતાં તેનું પરીક્ષણ શક્ય નહોતું બન્યું. ત્યારે આ મહિલાના યોનિમાર્ગેથી માઈક્રો નળી નાખી તેના અંડાશયમાં રહેલી 6.5 કિગ્રા વજનની ગાંઠ દૂર કરવામાં આવી હતી.
આ બાબત અમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં નોંધ કરાવી હતી. એ સંસ્થાઓ દ્વારા થયેલી તપાસમાં એવું ફલિત થયું હતું કે એશિયામાં સૌપ્રથમ વખત સૌથી ભારે ઓવિરિયન ટ્યૂમર વજાયનલ સર્જરી દ્વારા દાહોદમાં દૂર કરવામાં આવ્યું છે અને આ વિક્રમને પ્રમાણિત કરવામાં આવ્યો છે.