ચર્ચા વિના કૃષિ કાયદા પરત લેવાતા ચિદમ્બરમ પીએમ મોદી પર ભડક્યા!
નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમે ફરી એકવાર ત્રણ કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતાએ ગૃહમાં ચર્ચા કર્યા વિના કૃષિ બિલને રદ્દ કરવા પર નિશાન સાધ્યું છે.
સોમવારે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે બંને ગૃહમાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો અને કેન્દ્ર સરકાર પાસેથી કૃષિ કાયદા પાછા ખેંચવા પર ચર્ચાની માંગ કરી.
હવે પી ચિદમ્બરમે મંગળવારે ટ્વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેઓએ લખ્યું કે, સંસદના સત્રની પૂર્વસંધ્યાએ, વડા પ્રધાને કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવાની ઓફર કરી, પ્રથમ દિવસે અને વ્યવસાયની પ્રથમ આઇટમ પર કૃષિ વિધેયકો ચર્ચા વિના રદ કરવામાં આવ્યા! પક્ષો સંમત ન હોવા છત્તા બિલો ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા હતા અને બંને પક્ષો સંમત થયા વિના બિલ રદ કરવામાં આવ્યા. ગમે તે હોય, કોઈ ચર્ચા ન થઈ.
અન્ય એક ટ્વીટમાં કોંગ્રેસના નેતાએ લાંબા સમયથી ચર્ચા-મુક્ત સંસદીય લોકશાહી પર કટાક્ષ કર્યો છે. જણાવી દઈએ કે લગભગ એક વર્ષ સુધી ખેડૂતોના વિરોધ બાદ ૧૯ નવેમ્બરના રોજ પીએમ મોદીએ કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરી હતી, જ્યારે સોમવારે રાજ્યસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ, ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું હતું.
અગાઉ આ બિલ લોકસભામાં વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કૃષિ કાયદા રદબાતલ બિલ, ૨૦૨૧, સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનારા ૨૬ ખરડાઓમાંથી એક છે.HS