Western Times News

Gujarati News

મુખ્યમંત્રી રૂા.૭૧૧ કરોડના કામોનું લોકાર્પણ- ખાતમર્હુત કરશે

જનમાર્ગના જથ્થામાં નવી ૬૦ ઈલેકટ્રીક બસનો વધારો થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવેલા તથા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવા કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મ્યુનિ. કોર્પોરેશન તથા ઔડાના અંદાજે રૂા.૭૦૦ કરોડ કરતા વધુ રકમના પ્રજાલક્ષી કામોના ખાતમુર્હુત- લોકાર્પણ કરવામાં આવશે. તદ્‌પરાંત જનમાર્ગમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સજ્જ ૬૦ ઈલેકટ્રીક બસો તથા ચાર નવા રૂટ પણ લોકાર્પણ થશે.

અમદાવાદ શહેર મેયર કીરીટભાઈ પરમાર તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા અમલીકૃત વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યો અન્વયે કુલ રૂા.પર૧ કરોડના ર૧ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ કુલ રૂા.૧૯૦ કરોડના ૧૩ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

જેમાં ભુગર્ભ ટાંકી અને ઓવર હેડ ટાંકી સાથેના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ફલાય ઓવર બ્રીજ, આધુનિક ટેકનોલોજીથી ફાસ્ટ ચાર્જ થતી ૬૦ ઈલેક્ટ્રીક બસો તેમજ ચાર્જીસ સ્ટેશન, વોર્ડ ઓફિસ, ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ કવાટર્સ અને પે એન્ડ યુઝ ટોયલેટ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે નવીનીકરણ કરવામાં આવેલ ઐતિહાસિક લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરીયા ગાર્ડન)નું લોકાર્પણ તથા હેરીટેજ મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ તેમજ શહેરમાં જુદા જુદા વોર્ડમાં પાણીના સ્ટોરેજ માટે પાણીની લાઈનના નેટવર્ક, ભુગર્ભ ટાંકી, ઓવર હેડ ટાંકી તેમજ પંપહાઉસની સુવિધા ધરાવતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ગુજરાત રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસીંગ પોલીસી-ર૦૧૬ અંતર્ગત એસ.ટી.પી. સ્ટાફ ક્વાટર્સના આવાસોનું રીડેવલપમેન્ટ, ધી નેશનલ અર્બન હાઉસીંગ એન્ડ હેબીટેટ પોલીસી (એન.યુ.એચ.એચ.પી.) અન્વયે નવું નાઈટ શેલ્ટર તેમજ પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

શહેરની જાહેર પરિવહન સેવાને વધુ સુદર બનાવવા માટે જનમાર્ગના જથ્થામાં ૬૦ ઈલેકટ્રીક બસોનો વધારો થઈ રહયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂા.૧૦૦ કરોડના ખર્ચથી ખરીદ કરવામાં આવેલી ૬૦ ઈલેકટ્રીક બસોનું લોકાર્પણ કરશે તેમજ એક રૂટનું વિસ્તરણ કરવા માટે તેમજ ત્રણ નવા રૂટ શરૂ કરવા લીલીઝંડી આપવા આવશે.

જનમાર્ગ લીમીટેડ દ્વારા વાસણાથી નરોડા રૂટને હંસપુરા રીંગ રોડ સુધી લંબાવવામાં આવશે જયારે નહેરૂનગરથી સાણંદ સર્કલ વાયા કર્ણાવતી કલબ, પ્રહલાદનગર ક્રોસ રોડ, મકરબા રોડથી સાણંદ સર્કલ, નહેરૂનગરથી સાઉથ બોપલ સુસાસન ચાર રસ્તા થઈ સાઉથ બોપલ તેમજ મણીનગરથી એરપોર્ટ વાયા ગીતામંદીર, કાલુપુર, સીવીલ હોસ્પિટલ થઈ એરપોર્ટના નવા રૂટ શરૂ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.