Western Times News

Gujarati News

એપેનના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ સંમેલનમાં જીટીયુના કુલપતિએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

અમદાવાદ, એશિયામાં ટેક્નિકલ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેક્નિકલ શિક્ષણને લગતાં તમામ લાભ મળે તે હેતુસર, જાપાન , ચીન , ભારત સહિત એશિયાના ૧૩ દેશો દ્વારા વર્ષ – ૨૦૧૧માં “એશિયા પ્રોફેશનલ એજ્યુકેશન નેટવર્ક” (એપેન)ની સ્થાપના કરવામાં આવી છે.

તાજેતરમાં એપેનની બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સંમેલનમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની ટેક્નોલોજીનું શિક્ષણ મળી રહે, તે માટે એશિયાની તમામ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ એક સ્તર પર આવવું ખૂબ જ જરૂરી છે.

સંમેલનમાં એપેનના ચેરપર્સન અને એડવાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજીના પ્રમુખ પ્રો. ડૉ. ક્વાતા સૈઈચી અને એપેનના સેક્રેટરી જનરલ પ્રો. માઈડા મિત્સુહિરો સહિત ઈન્ડોનેશિયાની ઈન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી બાનડંગના પ્રો. અડે. સજફ્રુદ્દિન , બ્રુનેઈ યુનિવર્સિટીના પ્રો. ડૉ. ચંન્દ્રતિલક દે સિલ્વા , જાપાનની એડવાન્ય ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજીના પ્રો. હસ્હિમોટો હિરોશી , મલેશિયાની યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના પ્રો. અસ્ટુટી અમરીન , મ્યાનમારની યાંન્ગોન ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રો. માઈન્ટ થૈન , ફિલિપાઈન્સની ડે લા સાલ્લે યુનિવર્સિટીના પ્રો. ડૉ. અલ્વિન કુલાબા , વિયેટનામ નેશનલ યુનિવર્સિટીના પ્રો. નગ્યુયેન હોઈઅ સોન સહિતના ૧૩ દેશોના પ્રતિનિધીઓએ હાજરી આપી હતી.

વર્ષ – ૨૦૧૪થી જીટીયુ એપેનનું સભ્ય પદ ધરાવે છે. સમગ્ર ભારતમાં જીટીયુ એકમાત્ર યુનિવર્સિટી છે, જેને આ સભ્યપદ મળ્યું છે. બોર્ડ ઑફ ડિરેક્ટર્સ સંમેલનમાં થયેલ ચર્ચા અનુસાર આગામી સમયમાં અદ્યતન ટેક્નોલોજીથી ટેક્નિકલ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ વાકેફ થાય અને ડિઝાઈન ઈનોવેશન , આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ , રોબોટીક્સ , ઈનોવેશન , રીસર્ચ તેમજ એકેડમીક એક્સચેન્જ અંતર્ગત એપેનના સભ્ય દેશોની વિવિધ યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ તેમના પ્રોજેક્ટ સંબધીત રીસર્ચનું આદાન પ્રદાન કરે વગેરે જેવી પ્રકિયા હાથ ધરવામાં આવશે .

જેના થકી ટેક્નિકલ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી શિખવા મળશે. તેમજ તેમના પ્રોજેક્ટ અને રીસર્ચને પણ વૈશ્વિક સ્તરે સ્વિકૃતિ મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.