સેના વિરૂધ્ધ ઉશ્કેરણી બદલ સૂ કીને ચાર વર્ષની જેલ થઈ

નવી દિલ્હી, નોબેલ પુરસ્કાર વિજેતા અને મ્યાંમારના જન નેતા આંગ સાન સૂ કીને ૪ વર્ષ માટે જેલની સજા સંભળાવવામાં આવી છે. મ્યાંમારની એક કોર્ટે સોમવારે તેમને સેના વિરૂદ્ધ અસંતોષ ભડકાવવાના અને કોવિડ નિયમોના ઉલ્લંઘન મામલે સજા સંભળાવી.
મ્યાંમારમાં આંગ સાન સૂ કી વિરૂદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચાર, મતદાનમાં ધાંધલીનો પણ આરોપ લગાવાયેલો છે. હાલ સેનાએ તેમને ૨ કેસમાં દોષી ઠેરવ્યા છે. સૈન્ય શાસન વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓમાં આંગ સાન સૂ કી દિગ્ગજ નેતાઓમાંથી એક છે. આ કારણે જ તેઓ આજે પણ મ્યાંમારમાં ખૂબ જ લોકપ્રિય છે.
સૈન્ય સરકારના પ્રવક્તા જાે મિન તુને જણાવ્યું કે, સૂ કીને કલમ ૫૦૫ (બી) અંતર્ગત ૨ વર્ષની કેદ અને નેચરલ ડિઝાસ્ટર કાયદા અંતર્ગત ૨ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ વિન મિંતને પણ આ જ આરોપસર ૪ વર્ષની જેલ થઈ છે પરંતુ હાલ તેમને જેલમાં નહીં લઈ જવામાં આવે.
સેનાએ ૧ ફેબ્રુઆરીના રોજ દેશમાં સત્તાપલટો કર્યો ત્યારથી ૭૬ વર્ષીય સૂ કી કસ્ટડીમાં છે. ત્યાર બાદ ૧ વર્ષની ઈમરજન્સી લાગુ થઈ અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને પાડી દેવાઈ. સૈન્ય તખ્તાપલટની સાથે જ દેશમાં લોકશાહીનો અંત આવ્યો.SSS