Western Times News

Gujarati News

જૂનાગઢ જિલ્લામાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ થયું

રાજકોટ, જૂનાગઢનો મોટો હિસ્સો એટલે કે ૩૦ ટકા જેટલો વિસ્તાર જંગલમાં આવેલો હોવા છતાં પણ આ રાજ્યનો પ્રથમ જિલ્લો છે જ્યાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. તમામ અવરોધોનો પાર કરીને, જિલ્લા આરોગ્યની ટીમો લોકોના ઘર સુધી પહોંચી હતી અને કોવિડ વેક્સિનેશન પ્રક્રિયાના દરેક રાઉન્ડમાં કુલ મળીને ૧૦,૭૫,૬૨૨ ડોઝ આપ્યા હતા.

તેમણે ૧૦,૪૭,૫૦૨ ડોઝનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ૨૮૭ સાઈટ પર આપવામાં આવ્યો હતો જિલ્લા અધિકારીઓએ તેમની ટીમના સભ્યોની દ્રઢતાના વખાણ કર્યા હતા, જેમણે આ લક્ષ્યાંકને શક્ય બનાવવા માટે ફોલો અપ્સ અને જાગૃતિ અભિયાન સાથે સતત દબાણ જાળવી રાખ્યું હતું. ધાર્મિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રિતિનિધિઓની પણ મદદ લેવામાં આવી હતી.

જેથી, લોકોને સમયસર તેમની રસી લેવા માટે સમજાવવામાં આવે. જૂનાગઢના જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, ‘તે સામૂહિક પ્રયાસોનું પરિણામ છે, પરંતુ આશા વર્કર્સ અને મહિલા આરોગ્ય કર્મચારીોનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે, જેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અમે અમારા પડકારોને તકમાં બદલવા માગતા હતા. હુ પોતે ગિરનાર પર્વત પર ગયો હતો અને ત્યાંના મુખ્ય ધર્મગુરુને રસી લેવા માટે સમજાવ્યા હતા, જે બાદ તેમણે અન્ય લોકોને તેમને અનુસરવાની અપીલ કરી હતી. મેડિકલ અધિકારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)ની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.

તાલુકાઓને પીએસીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને લક્ષ્ય હાંસલ કરવા માટે સમયમર્યાદા આપવામાં આવી હતી. જૂનાગઢ એક કૃષિપ્રધાન જિલ્લો છે અને મોટાભાગના લોકો ગામડાઓથી દૂર તેમના ખેતરોમાં રહે છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોને જંગલો હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યાં પ્રાથમિક સારવાર કેન્દ્રો નથી.

આરોગ્ય વિભાગની ટીમોએ આવા અંતરિયાળ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જ્યારે પણ જરૂર પડી ત્યારે સ્થાનિક પંચાયત અને પોલીસ વિભાગની મદદથી રાતે સેશન ગોઠવ્યા હતા અને રાતે પણ રસીકરણ ચાલુ રાખ્યું હતું.

આરોગ્યની ટીમે લોકોને ઘરઆંગણે રસી આપવા માટે કુલ ૨.૨૨ લાખ ઘરોની મુલાકાત લીધી હતી. તેમણે પરપ્રાંતિય મજૂરોને પણ રસી આપી હતી, જેમણે અન્ય જિલ્લામાંથી પહેલો ડોઝ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.