Western Times News

Gujarati News

વાપીનાં યુવકને સો. મીડિયા પર અજાણી મહિલાએ મિત્રતા કરી હની ટ્રેપમાં ફસાવ્યો

વાપી, વાપીમાં એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. મહિલા સાથે મિત્ર બન્યા બાદ વાપીનો એક યુવક હનીટ્રેપ નો શિકાર બન્યો હતો.

એક મહિલા અને એક પુરુષે આ યુવકને હની ટ્રેપ માં ફસાવી રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી. જાેકે ભોગ બનેલ યુવક એ પોલીસનું શરણ લેતા. વાપી ટાઉન પોલીસે હનીટ્રેપ ના મુખ્ય ષડયંત્રકારી એક આરોપીને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ઔદ્યોગિક નગરી વાપીમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપ કરતી એક ગેંગ સક્રિય થઇ છે. સોશિયલ મીડિયા સાઇટ પર આ ગેંગની કેટલીક મહિલાઓ યુવકો અને જાણીતા લોકો ને મિત્ર બનાવી અને પોતાની જાળમાં ફસાવે છે. અને જેમાં ફસાતા યુવકો અને લોકો પાસેથી લાખો રૂપિયા ની માંગ કરે છે. ત્યારે વાપીમાં પણ એક યુવકને એક અજાણી મહિલાએ સોશિયલ મીડિયા પર રૈ લખી મેસેજ કર્યો હતો.

અને મેસેજ લખ્યા બાદ મહિલાએ ભૂલથી મેસેજ થયો હોવાનું જણાવી યુવક સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ રોંગ નંબર થી મેસેજ થયો હોવાનું જણાવી શરૂ થયેલી અજાણી મહિલા સાથેની મિત્રતા આગળ વધતા બંને એ રોજ એકબીજા સાથે વાત કરવાનુ શરૂ કર્યું હતું અને મહિલાએ પોતાનું નામ સીમા જણાવી અને વલસાડ ના એક વિસ્તાર માં રહેતી હોવાનું યુવક ને જણાવ્યું હતું.

વાતચીતના થોડા દિવસ બાદ મહિલા એ યુવકને એકાંતની પળો માણવા વાપી હાઈવે પર આવેલી એક બિલ્ડિંગમાં બોલાવ્યો હતો. અને જ્યાં મળ્યા બાદ એકાંતની પળો માણી બંને છુટા પડ્યા હતા.

જાેકે અઠવાડિયા બાદ આ યુવકને વાપીમાં જ્વેલર્સ તરીકે કામ કરતાં લલિત સોની નામનો એક વ્યક્તિ મળવા આવ્યો હતો અને યુવકે મહિલા સાથે માણેલી અંગત પળો નો વિડીયો યુવકને બતાવી અને તેના પરિવારજનોને આ વિડીયો મોકલી દેવાની ધમકી આપી હતી અને પતાવટ માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી.

યુવક ૫ લાખ જેટલી મોટી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી તેણે પોલીસનું શરણ લીધું. અને વાપી ટાઉન પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે.સરવૈયા અને તેમની ટીમે યુવક ની ફરિયાદ દાખલ કરી હતી. અને ગણતરીના સમયમાં જ લલિત સોની નામના આરોપી ને દબોચી લીધો હતો. આરોપી લલિત સોનીએ જ મહિલા સાથે મળીને આ યુવકને હનીટ્રેપ માં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું અને ત્યાર બાદ પતાવટ માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.

હાલ તો વાપી ટાઉન પોલીસે હનીટ્રેપ મામલામાં મુખ્ય ષડયંત્રકારી લલિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે યુવકને હનીટ્રેપ માં ફસાવનાર સીમા નામની મહિલા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આથી પોલીસે સીમા સુધી પહોંચવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.