આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં ST બસ નહેરમાં ખાબકતા 5 મહિલા સહિત 9ના મોત

અમરાવતી, આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જલેરુ વાગુ નહેરમાં એક બસ ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં 30 મુસાફરો સવાર હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના જાંગરેદ્દીગુડેમ મંડલના જીલેરુવાગુમાં થઈ છે. બસ અશ્વરાવપેટ મંડલથી જંગરેડ્ડીગુડેમ મંડલ તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિકોએ નહેરમાંથી 9 મૃતદેહો બહાર કાઢ્યા છે, જેમાં ડ્રાઈવર સહિત 5 મહિલાઓના મૃતદેહો સામેલ છે. 38 લોકોને બસમાંથી સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન હજી ચાલી રહ્યું છે.
આંધ્ર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ ભૂષણ હરિચંદને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ રાજ્યપાલે જિલ્લા અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ આપવાનો આદેશ આપ્યો છે.