આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટે આપી રાહત: દર સપ્તાહે NCB ઓફિસમાં હાજરી નહીં આપવી પડે
નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ભારે મોટી રાહત આપી છે. આર્યને હવે દર સપ્તાહે મુંબઈ એનસીબીના કાર્યાલય ખાતે હાજરી પુરાવવાની જરૂર નથી. કોર્ટે એમ પણ જણાવ્યું કે, આર્યન ખાને દિલ્હીમાં એનસીબીની વિશેષ તપાસ ટીમ જ્યારે પણ બોલાવે ત્યારે તેમના સામે હાજર થવું પડશે અને કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવશે.
તે સિવાય આર્યને જ્યારે પણ મુંબઈની બહાર જવું હશે ત્યારે પહેલા તેણે તપાસ અધિકારીઓને આ અંગે જાણ કરવી પડશે. હવે કોર્ટના આ નિર્ણય બાદ આર્યનને મોટી રાહત મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 26 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ 28 ઓક્ટોબરના રોજ આર્યનને બેલ મળ્યા હતા. આર્યનને 14 શરતો પર જામીન મળ્યા હતા જેમાંથી એક એનસીબી ઓફિસમાં હાજરી આપવાની હતી.
આર્યને વચગાળાની અરજી દ્વારા કહ્યું હતું કે, આ કેસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એનસીબીની દિલ્હી ઓફિસ પાસે છે માટે આર્યને દર શુક્રવારે મુંબઈની એનસીબી ઓફિસમાં હાજરી આપવી જરૂરી નથી. કોર્ટના નિર્દેશ પ્રમાણે આર્યને 5, 12, 19 અને 26 નવેમ્બરના રોજ તથા 3 અને 10 ડિસેમ્બરના રોજ એનસીબીની મુંબઈ ઓફિસમાં હાજરી આપી હતી.
અરજીમાં આર્યને એમ પણ જણાવ્યું હતું કે, દર શુક્રવારે તેઓ હાજરી આપવા જાય ત્યારે એનસીબી કાર્યાલય બહાર મીડિયા ફોટોગ્રાફર્સની ભીડ જામે છે તથા પોલીસ અધિકારીઓએ તેના સાથે રહેવું પડે છે. તેમને પ્રેસ દ્વારા સતત સવાલો કરવામાં આવે છે અને તેના ફોટોઝ ક્લિક કરવામાં આવે છે જે યોગ્ય નથી.