AMC આખરે જાગ્યુંઃ ઓમિક્રોનનો ભય ઝળૂંબતો હોવાથી હવે સીરો સર્વે કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Omicron2.jpg)
અમદાવાદના લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાણવા સીરો સરવે ઉપયોગી બન્યોઃ ડેલ્ટા કરતાં ઓમિક્રો વધુ ચેપી હોઈ વેક્સિનેશનમાં પણ ઝડપ વધારવી જરૂરી
અમદાવાદ, મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા કોરોનાની સંભવિત થર્ડ ત્રીજી લહેર સામે લડત આપવા તેનો સામનો કરવા ચાલતી તૈયારીઓના ભાગરૂપે આગામી દિવસોમાં કેન્દ્રની ગાઈડલાઈન મુજબ સીરો સર્વે કરાવવાની દિશામાં ગંભીરતાથી વિચારમા હાથ ધરાઈ છે. કોરોનાના હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં સીરો સર્વે સમય સમય પર કરવો ખાસ જરૂરી હોઈ તંત્ર આ દિશામાં જાગ્રત થયું છે તે પ્રશંસનીય બાબત છે.
શહેરમાં સ્વાભાવિકપણે દિવાળીના તહેવારોમાં ભારે છૂટછાટ લેવાથી કોરોનાના કેસ વધ્યા છે. જાેકે હજુ પણ લોકોમાં કોવિડ ગાઈડલાઈનના પાલનમાં ગંભીરતા નજરે પડતી નથી. મોટા ભાગના લોકોએ માસ્કની તિલાંજલિ આપી છે તો જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ થતી ભીડભાડ તબીબોને ડરાવી રહી છે. સેનિટાઈઝરનો ઉપયોગ જ ભુલાઈ ગયો છે એટલે કોરોનાનો ડેલ્ટા વાઈરસ પુનઃ ભયાનક સ્થિતિએ જઈ શકે છે.
અમદાવાદીઓમાં કોરોનાને હંફાવવા એન્ટિબોડીનું સ્તર ખાસ્સું એવું વિકસ્યું હોવાનું મ્યુનિ.તંત્રના પાછલા સીરો સર્વેના રિપોર્ટથી પ્રકાશમાં આવ્યું છે. તંત્રનો પણ દાવો છે કે દિવાળી બાદ ભલે કોરોનાના રોજના ૧૦થી વધુ નવા કેસ મળી રહ્યા છે, પરંતુ મોટા ભાગના દર્દીઓ ઘરે સારવાર લઈને સાજા થઈ રહ્યા છે.
અગાઉની જેમ દર્દીઓને હોસ્પિટલાઈઝ કરવા પડતા નથી, જેના કારણે મૃત્યુઆંક પણ બિહામણો બન્યો નથી. નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ હોઈ આ બાબત શક્ય બની છે.
તંત્રના અગાઉના સીરો સરવેમાં ૮૧.૬૩ ટકા લોકોમાં એન્ટિબોડી વિકસી હોઈ તેમાં પણ દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર, જાેધપુર, સરખેજ અને મક્તમપુરામાં તો લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ ૮૭ ટકા જેટલું ઊંચુ મળી આવ્યું હતું. ઉપરાંત દક્ષિણ ઝોનના મણિનગર, વટવા, કાંકરીયા, ઈન્દ્રપુરી, લાંભા અને બહેરામપુરા વોર્ડના લોકોમાં પણ કોરોના વિરુદ્ધ લડવા માટેની જબ્બર ઇમ્યુનિટી જણાઈ આવી હતી.
જૂન-૨૦૨૦માં તંત્રે શહેરમાં પહેલો સીરો સરવે હાથ ધર્યાે હતો. તે વખતે પણ ૧૭.૬ ટકા લોકોમાં એન્ટિબોડી જણાઈ આવી હતી. ત્યારબાદ એન્ટિબોડી કે હર્ડ ઇમ્યુનિટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોઈ કોરોનાને કાબૂમાં લેવા માટે આ મહત્ત્વનું પરિબળ બની રહ્યું છે.
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ચેપી પુરવાર થઈ રહેલો ઓમિક્રોન હવે વિશ્વને ભયભીત કરી રહ્યો છે. અનેક દેશો ઓમિક્રોનની લપેટમાં આવી ચૂક્યા છે. આપણા દેશમાં પણ મહારાષ્ટ્ર ઓમિક્રોનનું એપી સેન્ટર બન્યું છે.
આવા સંજાેગોમાં કોરોનાના હોટ સ્પોટ થયેલા અમદાવાદમાં ઓમિક્રોનની સંભવિત અસરને ખાળવા માટે તંત્રે વધુને વધુ હોસ્પિટલોને ઓક્સિજન બેડથી સુસજ્જ કરવી, ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, દવા તેમજ ઈન્જેક્શનનો સ્ટોક કરવો તેમજ વેક્સિનેશન પર વધુને વધુ ભાર મૂકવા જેવા ઉપાયો હાથ ધર્યા છે. હવે મ્યુનિ.સત્તાવાળાઓએ નવો સીરો સર્વે હાથ ધરવાના ચક્રો ગતિમાન કર્યા છે.