સેનાના સાત કમાન્ડરોને દિલ્હી બોલાવવામાં આવ્યા
નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાન સરહદ પર સુરક્ષા સ્થિતિ અંગે આ સપ્તાહે દિલ્હીમાં સેનાના સાત કમાન્ડરોની બે દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજવાની છે. સરકારી સૂત્રો મુજબ આ બેઠકમાં બોર્ડર પર ચીનની વધી રહેલી ગતિવિધિઓ અને પાકિસ્તાન તરફથી જારી આતંકી હુમલા અંગે ચર્ચા કરવામાં આવશે.
૮ ડિસેમ્બરે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ સેનાની આ પહેલી મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. સીડીએસ જનરલ બિપિન રાવતના નિધન બાદ પહેલી વખત બધા આર્મી કમાન્ડર્સ ચીન અને પાકિસ્તાન સરહદ પર સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ૨૩થી ૨૪ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં હશે. આ બેઠક એ સમયે થવા જઈ રહી છે જ્યારે દેશના સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારી અને તેમની પત્ની મધુલિકા રાવત સાથે ૧૨ અન્ય કર્મીઓનું એક હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું.
જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ અને મેમાં ચીન તરફથી એકતરફી આક્રમકતા દર્શાવ્યા બાદ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ ચાલુ છે. ગલવાનમાં ચીની સેનાના હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો, ત્યારબાદ ચીની સેનાએ પીછેહઠ કરવી પડી હતી. આ ઘટનામાં બંને દેશના ઘણા સૈનિકોને જાનહાનિ થઈ હતી.
એવા અહેવાલ છે કે તમામ સેના કમાન્ડરોને વિશેષ રૂપે ચીન સીમા પર સુરક્ષાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવશે, જેણે તીવ્ર ઠંડી હોવા છતાં લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ ક્ષેત્રની સામે ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી જાળવી રાખી છે.
અરુણાચલ પ્રદેશથી લદ્દાખ સુધી ચીન સાથેની સરહદની સુરક્ષાની જવાબદારી સેનાના પૂર્વીય, મધ્ય અને ઉત્તરીય કમાન્ડની છે. ચીન સરહદનો સૌથી મોટો વિસ્તાર પૂર્વીય આર્મી કમાન્ડ દ્વારા કવર કરવામાં આવ્યો છે. સીડીએસના મૃત્યુ બાદ સરકાર તેમના ઉત્તરાધિકારીની નિમણૂક પર કામ કરી રહી છે અને સંરક્ષણ મંત્રાલયે તેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેનામાં ચાલી રહેલા સુધારાઓ અને અન્ય બે સેવાઓ (નેવી અને એરફોર્સ) સાથે સંયુક્તતા વધારવા પર પણ સેના કમાન્ડરો વચ્ચે ચર્ચા થવાની અપેક્ષા છે.SSS