Western Times News

Gujarati News

કમુરતાં છતાં ડિસે.-જાન્યુઆરીના ૧૧ દિવસમાં ૯૦૦થી વધુ લગ્ન

પ્રતિકાત્મક

કમુરતાં છતાં એનઆરઆઈ લગ્નની ધૂમ -ર૪,રપ,ર૬, ર૭ ડિસેમ્બરે સૌથી વધુ લગ્ન યોજાશે ઃ પોશ વિસ્તારનાં ફાર્મ હાઉસ બુક થઈ ગયા

અમદાવાદ, ગુજરાતમાં હવે એક મહિના સુધી લગ્નની શરણાઈઓ ભલે નહિ સંભળાય અને કમુરતાંના કારણે લગ્નસરાની મોસમ પર બ્રેક લાગી હોય, પરંતુ કમુરતામાં પણ એનઆરઆઈનાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી ૧૧ દિવસમાં ૯૦૦થી વધુ લગ્નનું આયોજન શહેરમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે ધનારક ૧૪ જાન્યુઆરી, ર૦રરના રોજ પૂરા થયા બાદ પણ શુક્ર અને ગુરુ ગ્રહ અસ્ત હોવાથી લગ્નના આયોજન ર૦ જાન્યુઆરી, ર૦રર બાદ થઈ શકશે.

૧૬ ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાં ધનારક એટલે કમુરતાંની શરૂઆત થતાં લગ્નના આયોજન પર બ્રેક લાગી. શહેરના ડેકોરેટર્સના જણાવ્યા મુજબ ૧૬ ડિસેમ્બરથી કમુરતાંની શરૂઆત થઈ છે, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એનઆરઆઈના લગ્ન મોટાપાયે થતાં હોય છે.

ચાલુ વર્ષે પણ ડિસેમ્બર મહિનાની ર૪, રપ, ર૬ અને ર૭ તારીખોમાં સૌથી વધુ લગ્ન છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની ૮, ૯ અને ૧૦ તારીખોમાં પણ એનઆરઆઈ લગ્ન મોટી સંખ્યામાં છે.

એનઆરઆઈ લગ્ન માટે શહેરના પોશ વિસ્તાર તરફના ફાર્મ હામઉસ બુક થઈ ગયા છે. ડિસેમ્બર- જાન્યુઆરીના ૧૧ દિવસમાં જ ૯૦૦થી વધુ એનઆરઆઈ લગ્નના આયોજન છે. ૧૬ ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહ ધન રાશિમાં આગળ વધતા ધનસંક્રાંતિનો પ્રારંભ થશે, જે ૧૪ જાન્યુઆરી, ર૦રર સુધી રહેશે.

ધન રાશિ ગુરુ ગ્રહની રાશિ છે અને સૂર્ય રાજા છે. રાજા અને ગુરુ જ્ઞાન કાર્યમાં વ્યસ્ત હોવાથી માંગલિક કાર્યો યોજી શકાતાં નથી. ત્યારબાદ ૧૪ જાન્યુઆરીથી ધનારક પૂર્ણ થયા બાદ માંગલિક પ્રસંગો થશે.

એનઆરઆઈના લગ્નનું આયોજન મોટાભાગે શહેર બહારના જિલ્લામાં કે પછી રાજસ્થાન સહિતના શહેરોના ફાર્મ હાઉસ કે પછી રિસોર્ટમાં કરવામાં આવતા હોય છે, જેના માટે ૩ થી ૪ દિવસના પેકેજનું બુકિંગ થતું હોય છે. મહેમાનોને રિસોર્ટમાં જ રખાય છે.

એનઆરઆઈને કમુરતાંનો બાધ કેમ નડતો નથી ?
ગુજરાતમાં અત્યારે કમુરતાં ચાલી રહ્યાં હોવાથી લગ્ન સહિતના શુભ કાર્યો પર બ્રેક લાગી છે, પરંતુ કહેવાય છે કે વિદેશથી આવતા ગુજરાતીઓને કમુરતાં નડતા નથી. એવી એક માન્યતા છે કે વિદેશથી દરિયો પાર કરીને આવનારા એનઆરઆઈને ભારતમાં કોઈ પણ કમુરતાં નડતાં નથી. સામાન્ય રીતે અહીં ડિસેમ્બરની ઠંડીની સિઝન એનઆરઆઈ માટે શુભ પ્રસંગ કરવા પ્રિય છે. ઉપરાંત ક્રિમસનું લાંબુ વેકેશન તેમને વતન આવવા પ્રેરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.