Western Times News

Gujarati News

કોરોનાના કેસ વધતાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી

Files Photo

અમદાવાદ, કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં રાજ્યમાં સ્કૂલો તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઉપરાંત કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ઘટતી દેખાઈ રહી છે.

નિષ્ણાતોનું માનીએ સોમવારથી વિદ્યાર્થીઓની સંખ્યા હજી ઘટશે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તરફ વિવિધ શહેરોની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ કારણે પણ વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે વિદ્યાર્થીઓ ઓફલાઈનના બદલે ઓનલાઈન અભ્યાસ પર પસંદગી ઉતારી રહ્યા છે.

પરિણામે સ્કૂલોમાં પ્રત્યક્ષ હાજરીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એમાં પણ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધતાં લોકોમાં ડર વધ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ ૧૭૦ને પાર ગયા છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં કોરોનાના કેસ હજી પણ વધશે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર આવી શકે છે.

આ સ્થિતિને કારણે જ વાલીઓમાં ભારે ડર જાેવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમદાવાદની નિરમા સ્કૂલ, ઉદ્‌ગમ સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ અને મહારાજા અગ્રસેન સ્કૂલમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોની સ્કૂલોમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા.

સુરત અને રાજકોટની સ્કૂલોમાં વધુ કેસ સામે આવતાં ભયનો માહોલ છે અને જે વાલીઓએ અગાઉ બાળકોને સ્કૂલમાં મોકલવાની સંમતિ આપી હતી તેઓ પણ હવે પીછેહઠ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં સતત ઘટી રહી છે અને મોટાભાગની સ્કૂલોમાં ફરી ઓનલાઈન વર્ગો શરૂ થયા છે. વાલીઓમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે બાળકોને મોકલતા ડરી રહ્યા છે અને ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ ફરી પસંદ કરી રહ્યા છે.

જેના પગલે ઘણી સ્કૂલોમાં વર્ગદીઠ માત્ર ચાર-પાંચ બાળકોની હાજરી જાેવા મળે છે. કોરોનાના કેસ ઘટતાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી પરંતુ હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે સ્કૂલોમાં હાજરી સતત ઘટી રહી છે. હાલમાં ઘણી સ્કૂલોમાં વર્ગદીઠ હાજરી નહિવત્‌ જાેવા મળે છે.

જેના પગલે ફરીથી સ્કૂલો ધમધમી રહી છે. સોમવારથી આ સંખ્યા પણ ઘટે તેવી સંભાવના છે. ડિસેમ્બર માસ પૂર્ણ થયા બાદ જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ વધશે તો વિદ્યાર્થીઓ સ્કૂલો આવવાનું ટાળશે અને તમામ સ્કૂલોએ ફરીથી માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું પડશે. હાલમાં સ્કૂલોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પરિણામે કેટલીક સ્કૂલો બાળકોને ફરજિયાત સ્કૂલે બોલાવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જાેકે, સરકાર હવે ઓનલાઈન શિક્ષણ ચાલુ ના રાખનારી સ્કૂલો સામે કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.