Western Times News

Gujarati News

હોસ્પિ.માં દાખલ થવા નથી માંગતા ઓમિક્રોનના દર્દીઓ

વડોદરા, દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની એક નોંધનીય બાબત એ છે કે તેમાં મોટાભાગના કેસમાં દર્દીઓમાં લક્ષણો નથી દેખાતા. આ સ્થિતિમાં દર્દીઓને પ્રશ્ન થતો હોય છે કે અમને કોઈ લક્ષણ નથી, અમે બીમાર નથી તો પછી દવાખાનામાં દાખલ કેમ થવું? વડોદરા શહેરની વાત કરીએ તો, અહીં નવા વેરિયન્ટના ૧૭ કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર એક જ વ્યક્તિને લક્ષણ હતા.

બાકી તમામ દર્દીઓમાં એક પણ લક્ષણ જાેવા નહોતુ મળ્યું. જે એક દર્દીમાં લક્ષણો જાેવા મળ્યા તે મંજલપુરથી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર માટેના નમૂના લેવા અને જીનોમ રિક્વન્સિંગના રિપોર્ટ આવવા દરમિયાન એક અઠવાડિયાનો સમય હોય છે.

મંજલપુરના દર્દીના કેસમાં જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ૨૪ દિવસ પછી આવ્યો હતો. રિપોર્ટનું આટલુ મોડું પરિણામ આવ્યું તો શક્ય છે કે આટલા સમયમાં કોરોના નેગેટિવ થઈ જાય. ૧૭મી ડિસેમ્બરના રોજ મંજલપુરના દર્દીના પરિવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ શનિવારના રોજ ફરીથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા.

મોટાભાગના ઓમિક્રોન કેસ રુટિન સ્ક્રીનીંગ અથવા તો કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન સામે આવતા હોય છે. અહીં નોંધનીય બાબત એ છે કે, જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી એક જ કેસનો સંપર્ક તે દેશ સાથે જેનો સમાવેશ ‘એટ રિસ્ક’ દેશોની યાદીમાં કરવામાં આવ્યો હોય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ દર્દીઓને દવાખાનામાં દાખલ કરવા માટે જાય છે તો લોકોના પ્રશ્નો અને વિરોધનો સામનો કરવો પડે છે.

માગ્રદર્શિકા અનુસાર, ઓમિક્રોન પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં ફરજિયાતપણે દાખલ કરવો પડે છે. એક કર્મચારી જણાવે છે કે, દર્દીઓ હોસ્પિટલ આવવા રાજી નથી થતા. અમારે તેમને કહેવુ પડે છે કે, જાે તેઓ સહકાર નહીં આપે તો અમારે પોલીસને બોલાવવી પડશે. મેડિકલ ઓફિસર ડોક્ટર દેવેશ પટેલ જણાવે છે કે, અમને જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેનું અમે પાલન કરીએ છીએ.

ઓમિક્રોનના જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને રજા આપી દેવામાં આવશે.સળંગ બે વાર નેગેટિવ રિપોર્ટ આવે તો અમે રજા આપી શકીએ છીએ. ચેપી રોગોના નિષ્ણાંત ડોક્ટર હિતેન કરેલિયા જણાવે છે કે, જે કેસમાં ખાસ સારવારની જરુર ના હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં નહીં પણ આઈસોલેશન સેન્ટરમાં રાખવા જાેઈએ. પરંતુ ઓમિક્રોનના દર્દીઓને આઈસોલેશનમાં રાખવા જરુરી છે, કારણકે તેઓ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.