૨૦૦ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણની માગ તીવ્ર બની
રાજકોટ, ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની સરકારની ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં વાલીઓએ તેમના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાની માહિતી સામે આવી છે.
કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ડર વધ્યો છે. જેના કારણે રાજકોટની ૨૦૦ સ્કૂલોમાં માત્ર ૩૦ ટકા જ વિદ્યાર્થીઓની સંખ્યા જાેવા મળી રહી છે. કોરોનાના કેસ વધતા ફરી ઓનલાઇન શિક્ષણની માંગ પ્રબળ બની છે. નોંધનીય છે કે ગુજરાતની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૨૦થી ૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટની ૨૦૦ જેટલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટી છે.
જ્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે જ્યારે માધ્યમિક અથવા તો હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજુ યથાવત છે. વાલીઓમાં પણ હવે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણની માંગ વધી રહી છે.
તેવી રીતે વડોદરામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ ટકા સુધી ઘટી છે.
જ્યારે સુરતમાં નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૫થી ૧૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાની શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં સોમવારે વધુ ૩ વિદેશી વિદ્યાર્થીને ઓમીક્રોન આવતા શહેરમાં કુલ પાંચ કેસ થયા છે.
જેમાં રાજકોટ શહેરની ભાગોળે આવેલી ખાનગી આર.કે. યુનિવર્સિટી કે જ્યાં અગાઉ એક તાન્ઝાનિયાનો વિદ્યાર્થી ઓમીક્રોન પોઝીટીવ આવ્યો હતો, તેના સંપર્કમાં આવેલા બાંગ્લાદેશના ૨ અને નેપાળનો ૧ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઓમીક્રોન સંક્રમિત થયો છે. બીજી તરફ્ સોમવારે રાજકોટમાં કોરોનાના ૩૩ કેસ રાજ્ય સરકારે જાહેર કર્યા છે.
જેમાં ૭ રીપીટ હોવાનું મહાપાલિકા જણાવે છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં રવિવારે ૫૨ બાદ સોમવારે વધુ ૪૦ ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં ૩, જામનગર, જૂનાગઢ, ભાવનગર શહેર અને સુરેન્દ્રનગરમાં વધુ ૧ ૧ દર્દી કોરોના સંક્રમિત થયો છે. જયારે જામનગર શહેરમાં હોસ્પિટલમાં દાખલ ૬૦ વર્ષના મહિલાએ દમ તોડી દીધો છે.SSS