આમોદ અને વડોદરાના બુટલેગરો પાસેથી વેચવા માટે લીધેલો જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ તાલુકાના સુડી ગામની સીમમાં ગડેરિયા નાળા પાસે કોઈ બુટલેગર વિદેશી દારૂ વેચતો હોવાની આમોદ પોલીસને બાતમી મળતા આમોદ પોલીસે રેડ કરી ૧.૪૧ લાખના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂનો સપ્લાય કરનાર આમોદ તથા વડોદરાના બે ઈસમોને વોન્ટેડ બતાવી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સુડી ગામની સીમમાં આવેલા ગરેડિયા નાળા પાસે બાવળી વાળી જગ્યામાં સુડી ગામનો વિશાલ મનહર પાટણવાડીયા ઉ.વ.૨૧ વિદેશી દારૂનો વેચી રહ્યો હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.
જે બાબતે આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચતાં પોલીસે રાતના અંધારામાં બેટરીના અજવાળે ભારતીય બનાવટની વિદેશી દારુની ૧૮૦ એમ.એલના ૧૧૦૪ નંગ પાઉચ જેની કિંમત ૧,૧૦,૪૦૦ તથા ૫૦૦ એમ.એલના ટીન નંગ ૩૧૦ કિંમત રૂપિયા ૩૧૦૦૦ મળી કુલ ૧,૪૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે સુડી ગામના વિશાલ મનહર પાટણવાડીયાને ઝડપી પાડ્યો હતો.
જે બાબતે તેની પૂછપરછ કરતાં તેણે આમોદની ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ ઇસ્માઇલ તોરાબ તથા વડોદરાના પ્રભુભાઈ પાસેથી વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી આમોદ પોલીસે આમોદના યુસુફ તોરાબ તથા વડોદરાના પ્રભુભાઈને વોન્ટેડ બતાવી ત્રણેય સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.