Western Times News

Gujarati News

પતિએ પત્નીની જીવતી સળગાવી દેવાની ધમકી આપી

અમદાવાદ, લગ્ને લગ્ને કુંવારા એવા અનેક પતિઓની કહાની સામે આવી ચૂકી છે. પણ હાલ પોલીસ ચોપડે એક મહિલાએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યા છે કે લગ્ન બાદથી જ તેના પતિને અનેક સ્ત્રીઓ સાથે સબંધ હતા અને તેઓની પાસે જ જઈને રહેતો હતો.

આટલું જ નહીં ૧૦ લાખ પિયરમાંથી લઈ આવવાનું કહી ત્રાસ આપી માર મારતો હતો. મહિલા ઘર ચલાવવા ઓનલાઈન બિઝનેસ કરવા લાગી તો તેને એક દિવસ રૂમમાં પુરી દઈ રૂપિયા માંગ્યા હતાં. આટલું જ નહીં સળગાવી દેવાની અને રેલવે ટ્રેક પર ફેંકી દેવાની પણ ધમકીઓ પતિ આપતા મહિલાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ કાંકરિયા ખાતે રહેતી ૩૮ વર્ષીય મહિલાના લગ્ન ગોતા ખાતે રહેતા યુવક સાથે વર્ષ ૨૦૦૬માં થયા હતા. લગ્ન બાદ મહિલાએ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. લગ્નના થોડા જ મહિનાઓ પછી આ મહિલાનો પતિ અનેક યુવતીઓ સાથે સબંધ રાખતો હોવાનું સામે આવ્યું હતું.

આટલું જ નહીં તે ઘરે પણ નહોતો આવતો અને તે જ યુવતીઓ સાથે જઈને રહેતો હતો. જે બાબતે મહીલાએ વાત કરતા તેને માર માર્યો હતો. અન્ય બાબતોમાં પણ મહિલાને તેનો પતિ માર મારતો હતો. આટલું જ નહીં પિયરમાંથી પૈસા લઈ આવવાનું કહી મહિલાને ઝઘડા કરી મારતો હતો.

કરિયાવરમાં મહિલા ઘણું બધું લાવી હોવા છતાંય વધુ પૈસાની માંગણી પતિ કરતો હતો. મહિલાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે તેને એમ હતું કે ઘરે દીકરી જન્મી તો તેનો પતિ સુધરી જશે પણ છતાંય તેનામાં કોઈ સુધારો આવ્યો નહોતો.

અવાર નવાર દીકરીને કેમ જન્મ આપ્યો તેમ કહી માર મારતો અને મહિલાને પહેરેલા કપડે જ કાઢી મૂકી હતી. બાદમાં સમાજના લોકોએ વચ્ચે રહીને સમાધાન કરાવ્યું અને બાદમ મહિલાએ દીકરાને જન્મ આપતા થોડા સમય સુધી તેને સારી રીતે રાખી હતી. પતિ કોઈ કામધંધો ન કરતા ઘર ચલાવવા મહિલાએ ઓનલાઈન કપડાં વેચવાનું શરૂ કર્યું હતું. પણ પતિ તેમાંય પૈસા માંગતો અને જાે મહિલા પાસે પૈસા ન હોય તો તેને માર મારતો હતો.

પૈસા નહિ આપે તો સળગાવીને મારી નાખીશ અથવા રેલવે ટ્રેક પર ફેંકી દઈશ તો પોલીસને ખબર પણ નહીં પડે તેવી ધમકીઓ આપી મહિલાને ત્રાસ આપતો હતો. બે એક માસ પહેલા મહિલાના પતિએ મોબાઈલ ઝૂંટવી કોઈ કામ નથી કરવું તેમ કહી પિયરમાંથી ૧૦ લાખ લઈ આવવા જણાવી પટ્ટાથી મારી હતી. બાદમાં તેને કાઢી મુકતા આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.