ઓમિક્રોનના કેસ વધતાં દિલ્હીમાં શનિ-રવિ કર્ફ્યુ

નવી દિલ્હી, દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર દિલ્હી બંધ રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં તમામ સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ જાહેર કરવામાં આવ્યું છે.
સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ સરકારી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમથી કામ કરશે, જ્યારે પ્રાઈવેટ ઓફિસો 50% કર્મચારીઓ સાથે કામ કરશે. દિલ્હીમાં સોમવારે 4099 કોરોના કેસ મળ્યા હતા અને પોઝિટિવિટી દર વધીને 6.46% થયો છે.
દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.
આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી ઓફિસો વર્ક ફ્રોમ હોમ રહેશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ ઓનલાઈન અથવા વર્ક ફ્રોમ હોમ કામ કરી શકશે. ખાનગી ઓફિસમાં 50 ટકા કર્મચારીઓ કામ કરશે.
મેટ્રો અને બસમાં કોવિડને કારણે અથવા મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી હતી, જેને હવે દૂર કરવામાં આવી છે. હવે ફરીથી મેટ્રો અને બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. મુસાફરોએ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. મેટ્રો કે બસમાં માસ્ક વગરના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાના વધતા કેસોનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એ કારણે હજી વધુ પ્રતિબંધો પણ લગાવવામાં આવશે.