અમદાવાદમાં વધુ ત્રણ ૩૨ માળની હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ બનાવાશે
અમદાવાદ, અમદાવાદમાં પણ હવે હાઈરાઈડ્ઝ બિલ્ડિંગોની સંખ્યા આગામી વર્ષોમાં વધી જશે. શહેરમાં વધુ ત્રણ ૩૨ માળની બિલ્ડિંગ બનાવાશે. મહત્વનું છે કે આ પહેલા સાયન્સ સિટી રોડ પર ૩૨ માળની બિલ્ડંગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે વધુ ત્રણ બિલ્ડિંગના પ્રોજેક્ટને લઈને દરખાસ્ત કરવામાં આવી રહી છે. શહેરમાં વધુ ત્રણ બિલ્ડિંગની ગોતા, આંબલી અને શીલજ માટે દરખાસ્ત કરવામાં આવી છે.
આ ૩૨ માળની બિલ્ડિંગના એક પ્રોજેક્ટ પાછળ વધુમાં વધુ સાડા ત્રણ વર્ષનો સમય લાગશે અને તેની પાછળ ૮૦૦થી ૧૧૦૦ કરોડ ખર્ચ થશે. જેમ ટેક્નોલોજી આવી રહી છે તેની સાથે-સાથે કામ પણ ઝડપી થઈ રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે નવી ટેક્નોલોજી પ્રમાણે ધાબુ અને દીવાલ અલગ-અલગ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને ફીટ કરવામાં આવે છે.
જેના કારણે ઘણો સમય બચી જાય છે. આ અંગે ક્રેડાઈ અમદાવાદ (ગાહેડ)ના પ્રેસિડેન્ટ તેજસ જાેષી જણાવે છે કે, નવી ટેક્નોલોજી ધીરે-ધીરે વિકસી રહી છે, જેમાં સમયની પણ ઘણી બચત થાય છે. વાઈબ્રન્ટ અંતર્ગત જે એમઓયુ સાઈન થાય છે તેમાં ઘણાં મહત્વના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે.
આ નવા પ્રોજેક્ટ્સમાં ગણેશ હાઉસિંગ દ્વારા રૂપિયા ૫ હજાર કરોડના ખર્ચે આઈટી પાર્ક ત્રાગડમાં બનવા જઈ રહ્યું છે. જ્યારે તેમનો ત્રીજાે પ્રોજેક્ટ ગોધાવીમાં સ્માર્ટ ટાઉનશીપ રૂપિયા ૨૫૦૦૦ કરોડમાં બનશે. આ સિવાય મૂલસાણા (ન્યુ કર્ણાવતી ક્લબ પાસે) ટાઉનશીપ બનવા જઈ રહી છે.
નિરમા પણ રિયલ એસ્ટેટમાં આવી રહ્યું છે અને આ ગ્રુપ દ્વારા સોલા, ભાડજ તથા ઓગણજમાં રેસિડેન્શિયલ ટાઉનશીપ બનવા જઈ રહી છે. આ અંગે તેજસ જાેષીએ વધુમાં જણાવ્યું કે, અમે સરકાર સમક્ષ તમામ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેકમાં મંજૂરી આપવામાં આવે તેવી માગણી કરી છે. રેરામાં મંજૂરી માટે ૮-૧૨ મહિનાનો સમય લાગે છે તેમાં ઘટાડો કરાય અને ગ્રીન ચેનલ દ્વારા મંજૂરી અપાય તેવી માગણી કરાઈ રહી છે.
કોરોના વકરવાના કારણે આજે ક્રેડાઈ ગુજરાતના સહયોગથી અમદાવાદ-ગાહેડ દ્વારા રિયલ એસ્ટેટ અર્બન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેને મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો છે. જ્યાં ગુજરાતના આશરે ૧ લાખ કરોડના પ્રોજેક્ટમાંથી અમદાવાદના ૫૦ હજાર કરોડના રાજ્યના અન્ય ભાગોમાં ૫૦ કરોડના અલગ-અલગ પ્રોજેક્ટ MoU કરવાના હતા.