બિહાર પુર તાંડવ: હજુ સુધી ૭૩થી વધુ નાગરિકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Bihar.jpg)
બિહારમાં સ્થિતિ સામાન્ય બનવા જઇ રહી છે ત્યારે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણીઃ ઓરેન્જ એલર્ટ જાહેર |
પટણા, બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બિહારમાં ભારે વરસાદ અને પુરના લીધે હજુ સુધી ૭૩ લોકોના મોત થઇ ચુક્યા છે. પાટનગર પટણામાં જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. બીજી બાજુ વરસાદનુ જાર ઘટ્યુ હોવા છતાં હજુ સ્થિતિ સામાન્ય બનવામાં સમય લાગી શકે છે. હવામાન વિભાગે સ્થિતિ સામાન્ય બને તે પહેલા ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી જારી કરી દીધી છે. જેના કારણે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. પટણાના તમામ સ્કુલો અને કોલેજને હાલમાં બંધ રાખવામાં આવ્યા છે. પટણામાં આવતીકાલે પણ તમામ સ્કુલો અને કોલેજને બંધ રાખવામાં આવનાર છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન અશ્વિની ચોબેએ રોગચાળાને લઇને દહેશત વ્યક્ત કરી છે.
બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કહ્યુ છે કે પુરના કારણે ૭૩ લોકોના મોત થયા છે. નવ લોકો ઘાયલ થયા છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના નેતા રામકૃપાલ યાદવ બુધવારના દિવસે પાટલિપુત્રમાં પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી.રાજ્યમાં ૧૪ જિલ્લામાં રેડ એલર્ટ છે.બિહારમાં એનડીઆરએફની ૧૯ ટીમો સક્રિય છે. ૧૪ જિલ્લામાં સક્રિય થયેલી છે. રાજેન્દ્રનગરમાં પાંચ ફુટ સુધી પાણી ભરાઇ ગયા છે. ચાર હજારથી વધારે લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ, બાળકો, દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે સૌથી વધારે નુકસાન રાજેન્દ્ર નગરમાં થયુ છે.
બિહારમાં પુરની સ્થિતિને લઇને સામાન્ય લોકો દ્વારા નિતીશકુમાર સરકારની ટીકા કરવામાં આવી રહી છે. આક્ષેપબાજીનો દોર પણ ચાલી રહ્યો છે. ભાજપ અને જેડીયુ પણ પુરની સ્થિતિને હાથ ધરવાના મામલે આમને સામને આવી ગયા છે. બીજી બાજુ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના કહેવા મુજબ કોલ ઇન્ડિયા પાસેથી લાવવામાં આવેલા પંપમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખામી દૂર કરવામાં આવ્યા બાદ જળબંબાકાર રહેલા રાજેન્દ્રનગરમાંથી પાણી દૂર કરવામાં આવશે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા રામકૃપાળ યાદવ પણ સ્પથિતિ પર નજર રાખી રહ્યા છે. બિહારમાં છેલ્લા કેટલાક દિવસથી હાલત ખુબ જ કફોડી બનેલી છે.