મ્યુનિ. સ્કુલના ધો.૬ થી ૮ ના બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે સ્માર્ટ ફોન અપાશે
વિદ્યાર્થીઓના વાલીઓના શારીરિક પરીક્ષણ માટે રૂા.૧૦ લાખની જાેગવાઈ: મ્યુનિ. વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટુર પર લઈ જવાશે: ૮૮૭ કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૬ કરોડનો વધારો સૂચવી રૂ. ૮૯૩ કરોડનું બજેટ રજૂ કરાયું
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડનું વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાસનાધિકારી એલ ડી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. ૮૮૭ કરોડના ડ્રાફટ અંદાજપત્રમાં આજે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને બોર્ડના સભ્યોએ સર્વાનુમતે રૂ. ૬ કરોડનો વધારો સૂચવી રૂ. ૮૯૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
સુધારા બજેટમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકો આગામી દિવસોમાં ઓનલાઈન ભણી શકે તેના માટે શહેરમાં સર્વે કરી જે બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોય અને ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તેને સ્માર્ટ ફોન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.
ધો. ૬થી ૮ના ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન આપવામાં આવશે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા ૮ અંગ્રેજી માધ્યમ અને ૨૩ નવી શાળાઓ શરૂ કરવામાં આવશે. તેમજ મ્યુનિ.શાળાના વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સાયન્સ સીટી એજયુકેશન ટુર માટે લઈ જવામાં આવશે.
મ્યુનિ. સ્કુલ બોર્ડના બજેટ ચર્ચા દરમિયાન મેયર કિરીટભાઈ પરમારે ધો.૬ થી ૮ મા ભણતા પ૮૦૯૪ બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે પ૦૦૦ સ્માર્ટ ફોન આપવા જાહેરાત કરી હતી જેના માટે મેયરે રૂા.પ કરોડની ફાળવણી કરી છે. મ્યુનિ. સ્કુલ બોર્ડના “ઓગમેન્ટેશન ઓફ સ્કુલ” અંતર્ગત રૂા.૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે તેમાંથી સ્માર્ટ ફોન ખરીદી થશે.
સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ વધે તેના માટે સ્કૂલોમાં ભારત માતાના ફોટો લગાવવામાં આવશે. ભણશે અમદાવાદ, રમશે અમદાવાદ અને શીખશે અમદાવાદ અંતર્ગત રૂ. ૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્કૂલો અને ઓફિસમાં વહીવટીકરણમાં સરળતા માટે એપ બનાવવામા આવશે. મલ્ટીમીડિયા સ્ટુડિયો તથા વર્ગખંડોના નિર્માંણ અને રીનોવેશન માટે રૂ. ૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.
સુધારા અંદાજપત્રમાં સ્કૂલબોર્ડ દ્વારા ૭ જેટલી નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં ૧૯ નવી સ્કૂલો શરૂ કરવામાં આવશે. સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ રૂ. ૬ કરોડનો ખર્ચ કરવામા આવશે. સ્કૂલોના એસ્ટાબ્લીશમેન્ટ પગાર ખર્ચ, વિદ્યાર્થી વિકાસ ખર્ચ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચમા વધારો થયો છે.
વર્ષ ૨૦૨૨-૨૩ના રજૂ કરેલા અંદાજપત્રમાં સરખેજ અને નવા વણઝરમાં પબ્લિક સ્કૂલ, ગોતા દેવનગર પબ્લિક સ્કૂલ, મણિનગર પબ્લિક સ્કૂલ, અસારવા પબ્લિક સ્કૂલ, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નંબર ૨ મોટેરા પબ્લિક સ્કૂલ અને જાેધપુર પબ્લિક સ્કૂલ એમ કુલ ૮ સ્કૂલો અંગ્રેજી માધ્યમની શરૂ કરશે.
મ્યુનિ. સ્કુલ બોર્ડ કમીટી સભ્યો દ્વારા રૂા.૬ કરોડના જે સુધારા કરવામાં આવ્યા છે તેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓના મેડીકલ પરીક્ષણ માટે રૂા.૧૦ લાખની ખાસ જાેગવાઈ કરવામાં આવી છે.
દરેક શાળાઓમાં નામ દર્શાવતા નવા બોર્ડ બનાવવામાં આવશે તેમજ આધુનિક સાઉન્ડ સીસ્ટમ ખરીદી થશે. સ્કુલ બોર્ડના બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સાયન્સ સીટી ખાતે એજયુકેશન ટુર માટે લઈ જવા માટે પણ વધારાની રકમ ફાળવવામાં આવી છે. મ્યુનિ. સ્કુલ બોર્ડના બજેટમાં વિદ્યાર્થીઓ તથા શાળા માટે રૂા.૧૩૧.પ૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.