Western Times News

Gujarati News

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણો

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તાર માટે તા.૧૪ અને ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે.

મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી અમદાવાદ શહેરમાં હાલમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતી ધ્યાને લેતાં તા.૧૧/૦૧/૨૦૨૨ થી તા.૧૭/૦૧/૨૦૨૨ સુધી કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સલામતિ સાચવવા પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા કેટલાક નિયંત્રણો અધિસૂચિત કરવામાં આવ્યા છે.

જેમાં કોઈપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો રસ્તાઓ વિગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકશે નહી. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહ ભર્યું છે.

માસ્ક વિના કોઈપણ વ્યકિત મકાન/ ફલેટના ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશીયલ ડીસ્ટન્સનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાત પણે કરવાની રહેશે.

મકાન/ફલેટના ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સીવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સબંધિત કોઈપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફલેટના સેક્રેટરી/ અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે

અને તેઓ વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ફલેટના ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.  મકાન/ફ્લેટના ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે.

અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સીસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશીયલ ડીસ્ટન્સનો ભંગ થવાની તેમજ કોરોના તૃસંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત

૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ / અન્ય રોગોથી પીડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ધરે રહે તે સલાહભર્યુ છે. કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહી.

સુપ્રિમ કોર્ટ/ હાઈકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઈનીઝ સ્કાયલેન્ટર્ન, ચાઈનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક / કાંચ પાયેલા માંઝા,પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. જે વ્યકિતઓ અમદાવાદ શહેરમાં જુદા-જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર રાયપુર, ટંકશાળ,નરોડા વિગેરેની મુલાકાત લે ત્યારે કોરોના સબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મર્યાદીત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર તથા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.