મોબાઈલની લૂંટ કરનાર ત્રણ શખ્સો ૧૨ મોબાઈલ સાથે કલોલથી ઝડપાયા

(પ્રતિનિધિ) ગાંધીનગર, મોબાઈલ ફોનની લૂંટ કરીને વેચવા માટે ફરતા ૩ ઇસમોને લોકલ ક્રાઇમની ટીમે કલોલ સિંદબાદ હોટલ થી રિક્ષા સાથે ઝડપી લીધા પોલીસે તેમની પાસેથી ૧૦ મોબાઈલ, રીક્ષા તેમજ એક હોમ થિયેટર મળીને કુલ ૭૯ હજાર ૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમા ગંભીર ગુનાઓ નો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ આપેલ સુચનાના પગલે એલસીબી પી.આઈ એચ.પી. ઝાલા ની ટીમના પીએસઆઇ ડી એસ રાઓલ સ્ટાફના માણસો સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
દરમિયાન બાતમી મળી હતી કે મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઈલની લૂંટના ગુના આચરનાર ત્રણ ઈસમો સિંદબાદ હોટલ વિસ્તારમાં રિક્ષા સાથે મોબાઇલ વેચવા ફરી રહ્યા છે જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવીને હીતેશ રમેશભાઇ વાઘેલા (વણકરવાસ, કલોલ) સાહિલ તુલશીભાઈ શ્રીમાળી( રહે .જાેટાણા મારુતિ નંદન સોસાયટી, કલોલ) અને વિજય ઉર્ફે દાદુ ભલાભાઇ રાવળ (પ્લોટ નંબર ૪૬, રેલ્વે પૂર્વ, કલોલ)ને ઝડપી લીધા હતા આ ત્રણેય ઇસમો પાસેથી ૧૨ મોબાઇલ ફોન તેમજ એક હોમ થિયેટર મળી પણ આવ્યા હતા જેમની કડકાઇથી પૂછતાછ હાથ ધરવામાં આવતા કબૂલાત કરી હતી જેના પગલે એલસીબીએ મોબાઈલ ફોન,રીક્ષા તેમજ હોમ થિયેટર મળીને ૭૯ હજાર ૫૦૦નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.