મહિલા મિત્રની જરૂરીયાત પૂરી કરવા બેન્કમાં કરી ચોરી
અમદાવાદ, અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય-કો ઓપરેટિવ બેન્કમાં વર્ષના અંતિમ દિવસે ૯ લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે ચોરી કરનાર બેન્કનો જ પ્યુન અને તેનો મિત્ર હતો. બંનેએ સ્પાના બિઝનેસ અને મહિલા મિત્ર માટે ૯ લાખથી વધુ રૂપિયાની ચોરી કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર વિમલ પટેલ અને જાવીદ સંધી નામના બંને વ્યક્તિઓએ બેન્કમાં ચોરી કરી હતી. આ ચોર ટોળકીએ ગુનાને અંજામ આપવા માટે નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ ચોરીનો માસ્ટર પ્લાન કેવી રીતે બનાવ્યો હતો. તે અંગે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોંકી ગઈ હતી.
કેમ કે પકડાયેલ આરોપી વિમલ પટેલ બેન્કમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો અને જુગાર રમવાનો શોખીન હતો. જેથી ગોવામાં કસીનોમાં જુગાર રમવા જતાં દેવું કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેન્કમાં ચોરીનો પ્લાન કર્યો હતો અને કાલુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેન્સમાં ચોરી કરી હતી.
આરોપી વિમલ પટેલ ઘણા સમયથી વિજય કો ઓપરેટિવ બેન્કમાં પ્યુન તરીકે નોકરી કરતો જેથી રોકડ રકમ ક્યાં રહેતી તેનો ખ્યાલ હતો. પરંતુ પોતે ચોરી કરવા જાય તો પકડાઈ જવાની બીક રહેતી જેને કારણે વિમલે જાવીદને પોતાના પ્લાનમાં સામેલ કર્યો. આ પ્લાન બનાવી વિમલે બેન્કમાં હથોડી, બેન્કની ચાવીઓ પણ જાવીદને આપી હતી. એટલુંજ નહિ જાવીદ પકડાય નહિ તે માટે વિમલે ચાલાકી વાપરી અગાઉથી સીસીટીવી પણ બંધ કરી નાખ્યા હતા.
બીજી તરફ ચોરી કરતા સમયે આરોપી જાવીદ એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં અમુક રોકડ ચોરી પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઇ ગયો હતો. બાદમાં બન્ને આરોપીઓ ચોરી કરેલા રૂપિયા લઇ ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા. જ્યાં આરોપી જાવીદને અગાઉ સ્પા ચલાવતો હોવાથી ફરીથી આ ધંધામાં પડવું હોવાથી રૂપિયાની જરૂરિયાત હોઈ ચોરીમાં સામેલ થયો.
એટલું જ નહીં આરોપી જાવીદ સંધી વિરુદ્ધ અગાઉ ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં સ્પા સેન્ટરમાં રેડ થઈ હતી. તેમ છતાં ફરી સ્પાનો બિઝનેસ શરૂ કરવા રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદે તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા અને આ રૂપિયા ચુકવવા વિમલની મદદ કરી.
એક તરફ ગોવામાં કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયાએ આ બંનેને ચોરીનો અંજામ આપવા મજબુર કરી દીધા હતા. આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા છે. જ્યારે કેટલાક રૂપિયા મહિલા મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. પોલીસે ચોરી અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં સ્પષ્ટપણે આરોપી પોતાના વાહનમાં બેગ લઈને જતો નજરે પડયો હતો. જેના આધારે પોલીસે શહેરના સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપી સુધી પહોંચવામાં ખૂબ જ મદદ મળી રહી હતી.
હાલ તો પોલીસે ૨ લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ત્યારે ક્રાઇમ સબંધિત વેબ સિરીઝ જાેઈ આવા ક્રાઇમને અંજામ આપતા હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આ ઘટનામાં એ વાત નક્કી છે કે આરોપીઓએ ગોવામાં કસીનોમાં હારી જતા અને ફરી એક વખત મહિલા મિત્રના સંપર્કમાં આવી મોટું સ્પા સેન્ટર ખોલવાના ઈરાદે આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.SSS