નોકરી નહીં મળે તો ૩ હજાર બેરોજગારી ભથ્થું અપાશે: કેજરીવાલ
(એજન્સી) પણજી, ગોવા સહિત ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આજે (રવિવારે) ગોવા પહોંચી ગયા છે. ગોવામાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે
જાે આપ ની સરકાર બનશે તો દરેકને રોજગાર આપશે અને જાે તેઓ આપી શકશે નહીં તો દરેકને ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે.
પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા. અમારા ૨૧ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી અને ૪૦૦ ફાઈલો તપાસવામાં આવી પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. અમે ભ્રષ્ટાચાર કરતા નથી.
જાે ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી ઈમાનદારીથી સરકાર ચલાવીશું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. હવે બંને એક પાર્ટી બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે માઈનિંગમાં ઘણા લોકોને અંગત રસ છે. એવું ન થઈ શકે કે આ લોકો માઈનિંગ શરૂ કરવા માંગતા હોય અને માઈનિંગ શરૂ ન થાય. અમારો ઈરાદો સ્પષ્ટ છે.