કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સંસદના ૮૭૫ કર્મચારી કોરોના સંક્રમિત

નવીદિલ્હી, કોરોના વાયરસના ત્રીજા લહેર વચ્ચે સંસદના ૮૭૫ કર્મચારીઓનો રિપોર્ટ અત્યાર સુધી પોઝિટિવ આવ્યો છે. એક સપ્તાહ બાદ સંસદનું બજેટ સત્ર શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં ઝડપથી ફેલાતા ઓમિક્રોન વચ્ચે બજેટ સત્રનું આયોજન કરવાની સરકારની સામે પણ મોટી જવાબદારી છે.
સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને તેનો પહેલો ભાગ ૧૧ ફેબ્રુઆરીએ પૂરો થશે. રાજ્યસભા સચિવાલય દ્વારા ૨,૮૪૭ માંથી ૯૧૫ પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને ૨૭૧ નમૂનાઓ પોઝિટિવ આવ્યા હતા. એક સપ્તાહ બાદ શરૂ થનારા સંસદના બજેટ સત્ર માટે આ કોઈ સમસ્યાથી ઓછું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરીને બજેટનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોવિડના મામલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકસાથે ચલાવવામાં આવશે કે અલગ-અલગ પાળીમાં તે અંગે ર્નિણય લેવાનો બાકી છે.
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ રવિવારે કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. તેને બીજી વખત કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટિ્વટ કર્યું, ‘ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને આજે કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે, તેઓ હાલ હૈદરાબાદમાં છે. તેણે એક અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવાનો ર્નિણય લીધો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને સ્વ-અલગ રહેવાની સલાહ આપી છે. તે બુધવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લે તેવી શક્યતા નથી.HS