અમરાઈવાડીમાંથી આધેડનું અપહરણ કરી ઢોરમાર માર્યો
રૂપિયાની ઉઘરાણીમાં બનેલો બનાવઃ આધેડને ઢોરમાર મારી રસ્તા પર ફેંકી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી ગઈ હોય તે રીતે એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે પોલીસની કોઈ બીક જ ન હોય તે રીતે ગુનેગારો ગુનાખોરી આચરી રહયા છે નાની નાની બાબતોમાં હુમલા કરવા તથા હત્યાની ઘટનાઓના પગલે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ દરમિયાનમાં અમરાઈવાડી વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ એક આધેડનું અપહરણ કરી દુકાનમાં ગોંધી રાખી તેના ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સનસનાટી મચી ગઈ છે હાલ આધેડ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે ખોખરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે અમરાઈવાડી, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વકરતી ગુનાખોરીના પગલે સ્થાનિક નાગરિકોમાં સતત ફફડાટ જાવા મળતો હોય છે આ વિસ્તારમાં સાંજ પડતા જ ગુનેગારોનું રાજ હોય તેવા દ્રશ્યો જાવા મળતા હોય છે. અમરાઈવાડી વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિરની બાજુમાં આવેલા હાઉસીંગ બોર્ડના મકાનમાં રોહિતસિંહ પરમાર નામનો આધેડ વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે
આ ઉપરાંત તેનું ખોખરા વિસ્તારમાં આવેલા ધીરજ હાઉસીંગમાં બીજુ મકાન પણ આવેલુ છે. રોહિતસિંહના પત્નિ ભારતીબા તથા બે પુત્રીઓ અને એક પુત્ર છે રોહિતસિંહ કડીયા કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે.
કડિયાકામ કરતા હોવાથી રોહિતસિંહને સીમેન્ટ સહિતના માલની જરૂરિયાત ઉભી થતી હોય છે આ માટે તેણે તાજેતરમાં મળેલા એક કામ માટે આ જ વિસ્તારમાં આવેલા સચિન નામના યુવકની દુકાનમાંથી રૂ.ર૦ હજારનો સીમેન્ટ ઉધારમાં લીધો હતો ત્યારબાદ તેના પૈસા પરત ચુકવવાના બાકી હતા આ અંગે સચિન વારંવાર ઉઘરાણી કરતો હતો
પરંતુ રોહિતસિંહ પાર્ટી પૈસા આપશે ત્યારે તને આપી દઈશ તેવો જવાબ આપતા હતા જેના પરિણામે સચિન ધમકીઓ આપવા લાગ્યો હતો. ગઈકાલે રોહિતસિંહ નિત્યક્રમ મુજબ ધીરજ હાઉસિંગ ખાતેના મકાનમાં સુવા માટે નીકળ્યો હતો આ દરમિયાનમાં રાત્રિના સમયે એક યુવક રોહિતસિંહના પત્નિ ભારતીબા પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તમારા પતિ રોહિતસિંહ સિદ્ધિવિનાયક મંદિર પાસે બેભાન હાલતમાં પડેલા છે
આ સમાચાર મળતા જ ભારતીબા તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાઈ તેમણે બુમાબુમ કરી મુકી હતી જેના પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતાં. બેભાન અને લોહીલુહાણ હાલતમાં પડેલા રોહિતસિંહને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરી હતી આ દરમિયાનમાં તે ભાનમાં આવતા રોહિતસિંહે જણાવ્યું હતું કે સચિન અગ્રવાલ તથા તેના બે મિત્રો રાહુલ અને પ્રિન્સે તેનું અપહરણ કર્યું હતું અને દુકાનમાં લઈ જઈ ઢોરમાર મારતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
રોહિતસિંહે સમગ્ર ઘટનાક્રમ જણાવતા તાત્કાલિક ભારતીબાએ આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને ભારતીબાએ સચિન અગ્રવાલ, રાહુલ અને પ્રિન્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ રોહિતસિંહ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.