કોવિશીલ્ડ અને કો-વેક્સિન હવેથી હોસ્પિટલમાંથી સરળતાથી મળી રહેશે
નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં કોવિડ વેક્સિનની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહી છે. ભારતના દવા નિયામક (DCGI)એ કોવિશીલ્ડ અને કોવેક્સિનને બજારમાં વેચાણ માટેની મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ નથી કે, કોરોના વેક્સિન જલ્દી જ દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે, પરંતુ વેક્સિનને હોસ્પિટલ અને ક્લિનીક પરથી ખરીદીને ત્યાં જ લગાવડાવી શકાશે.
જાણવા મળ્યા મુજબ આ બંને વેક્સિન દુકાનો પર નહીં મળે. પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ક્લિનીક પરથી વેક્સિન ખરીદી શકાશે અને ત્યાં જ લગાવડાવવામાં આવશે.
નવા ડ્રગ્સ એન્ડ ક્લિનીકલ ટ્રાયલ રૂલ. 2019 અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી છે. શરતો અંતર્ગત ફર્મોએ જે ક્લિનીકલ પરીક્ષણો થાય તેના ડેટા પ્રસ્તુત કરવા પડશે. વેક્સિનેશન બાદ થનારા પ્રતિકૂળ પ્રભાવો પર નજર રાખવામાં આવશે.
ઈમરજન્સી યુઝ ઓથરાઈઝેશનમાં 15 દિવસમાં સેફ્ટી ડેટા ડીસીજીઆઈને પહોંચાડવાના હોય છે. હવે કન્ડિશનલ માર્કેટ અપ્રૂવલમાં 6 મહિના કે તેનાથી વધારે સમયમાં ડેટા નિયામકને સબમિટ કરાવવો પડશે. આ સાથે જ કોવિન (Co-Win) પર તેની જાણકારી પણ આપવી પડશે. અગાઉ અમેરિકામાં ફાઈઝર અને બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાને કંડીશનલ માર્કેટ અપ્રૂવલ આપવામાં આવેલી છે.