Western Times News

Gujarati News

દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ સમાપ્ત: ઓફિસ, રેસ્ટોરન્ટ અને સિનેમાને છૂટ

નવી દિલ્હી, દિલ્હીમાં કોરોનાની ગતિ ધીમી પડ્યા બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ડીડીએમએ)ની આજે થયેલી બેઠકમાં પ્રતિબંધોમાં ઘણી રાહત આપવામાં આવી છે. ડીડીએમએએ વીકેન્ડ કર્ફ્યુ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

જોકે, નાઈટ કર્ફ્યુ રાત્રે 10:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. બજારોમાંથી ઓડ-ઈવન હટાવી દેવામાં આવશે.

આના સિવાય 50%ની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ, બાર અને સિનેમા હોલ ખોલવામાં આવશે. લગ્નમાં હવે 200 લોકો સામેલ થઈ શકશે જ્યારે સ્કૂલ ખોલવાનો નિર્ણય ડીડીએમની આગામી બેઠકમાં લેવામાં આવશે. દિલ્હીના સરકારી કાર્યાલયોને 50% ક્ષમતા સાથે ખોલવાની અનુમતિ મળી ગઈ છે.

ડીડીએમએના નિર્ણયો ડીડીએમએ દ્વારા ઔપચારિક આદેશ જારી કર્યા બાદ લાગુ કરવામાં આવશે. ઔપચારિક આદેશ પ્રતિબંધોને લઈને વધારે સ્પષ્ટતા પ્રદાન કરશે.

સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં હાલના પ્રતિબંધો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી પરંતુ એ નક્કી કરવામાં આવ્યુ કે, સરકાર બધા પ્રતિબંધોને એક જ વખતમાં સમાપ્ત ન કરી શકે. પ્રતિબંધોમાં છૂટ તબક્કાવાર આપવામાં આવશે. સ્કૂલોને ફરીથી ચાલુ કરવા સહીત અન્ય પ્રતિબંધોને લઈને આગળની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે રાજધાનીમાં કોરોનાના 7,498 નવા કેસ નોંધાયા હતા. ડીડીએમએએ ગુરૂવારે પોતાની બેઠકમાં દિલ્હીની હાલની કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

જેમાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, ડીજી આઈસીએમઆર પ્રોફેસર બલરામ ભાર્ગવ અને ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાજ્યપાલ અનિલ બૈઝલે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

દિલ્હી સરકાર સ્કૂલો ફરીથી ખોલવા પર ભાર મૂકી રહી છે કારણ કે, મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા તેમના અભ્યાસને લઈને ચિંતિત છે. દિલ્હીમાં 28 ડિસેમ્બરથી સ્કૂલો બંધ છે.

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે કહ્યું હતુ કે, સ્કૂલો ફરીથી શરૂ કરવી જરૂરી છે કારણ કે, મહામારીના કારણે સ્કૂલો બંધ રાખવાની અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. ડીડીએમએની બેઠકમાં પણ આપ સરકારે આ વાત પર ભાર મૂક્યો હતો.

11 જાન્યુઆરીએ દિલ્હીમાં ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો હતો જેના એક દિન અગાઉ દિલ્હીમાં બધી બિનજરૂરી ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી જેમ કે, રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર રોક લગાવવામાં આવી હતી. તે અગાઉ 28 ડિસેમ્બરે સ્કૂલ અને જિમને બંધ કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે, કોરોનાના કેસો વધી રહ્યા હતા.

21 જાન્યુઆરીએ ડીડીએમએએ ખાનગી કાર્યાલયોને 50% ઓન સાઈટ કર્મચારીની ક્ષમતા સાથે બીજી વાર ચાલુ કરવાની પરવાનગી આપી હતી.

જોકે, રાજધાનીમાં વીકેન્ડ અને નાઈટ કર્ફ્યુને ચાલુ રાખવામાં આવ્યું હતું. ડીડીએમએનો આદેશ એવા સમય પર આવ્યો છે જ્યારે દિલ્હી સરકાર સતત પ્રતિબંધોને પાછા ખેંચવાની માગ કરી રહી છે. ડીડીએમએના એક અધિકારીએ પ્રતિબંધો ચાલુ રાખવાના સત્તાધિકારીના નિર્ણયને સમર્થન આપ્યું હતું કારણ કે 21 જાન્યુઆરીના રોજ COVID-19 સંક્રમણ દર 18 ટકા હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.