નવા ફોલોઅર્સ ઘટી જતા રાહુલની ટિ્વટરને ફરિયાદ

File
નવી દિલ્હી, રાજકીય પાર્ટી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરને ફરિયાદ કરી છે કે ભારતની કેન્દ્ર સરકારના દબાણ હેઠળ તેમની નવા ફોલોઅર્સ વધારવાની ક્ષમતાને મર્યાદિત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે ઓગસ્ટ, ૨૦૨૧માં તેમનું અકાઉન્ટ જ્યારે થોડા સમય માટે બ્લોક કરી દેવામાં આવ્યુ હતું.
ત્યારપછીથી તેમના ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાહુલ ગાંધીએ ટ્વવિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ૨૭મી ડિસેમ્બરના રોજ પત્ર લખ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે ટિ્વટર પ્લેટફોર્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દબાણ હેઠળ કામ કરે છે. રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે પહેલા તેમને પ્રતિ માસ ૨.૩ લાખથી વધારે ફોલોઅર્સ મળતા હતા,અને અમુકવાર તો આ સંખ્યા વધીને ૬.૫ લાખ સુધી પહોંચી હતી.
પરંતુ ઓગસ્ટ ૨૦૨૧ પછી આ સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. હવે પ્રતિ માસ લગભગ ૨૫૦૦ ફોલોઅર્સ વધે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૧માં રાહુલ ગાંધીનું ટિ્વટર અકાઉન્ટ મુશ્કેલીમાં મૂકાયુ હતું. તેમણે દિલ્હીના એક દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર ટિ્વટ પર પોસ્ટ કર્યા પછી વિવાદ સર્જાયો હતો, ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી રાહુલ ગાંધીના અકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યુ હતું.
ટિ્વટરના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ તસવીર પોસ્ટ કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, માટે આઠ દિવસ માટે તેમનું અકાઉન્ટ લોક કરવામાં આવશે. ત્યારપછી તેમનું અકાઉન્ટ કાર્યરત થઈ ગયુ હતું પરંતુ કોંગ્રેસનો દાવો છે કે, ત્યારપછીથી આ પ્લેટફોર્મ પરથી લોકો સુધી પહોંચવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ પરાગ અગ્રવાલને લખ્યું કે, ભારતમાં સત્તાવાદમાં વધારો થાય તેવી પ્રવૃત્તિઓમાં ટિ્વટર મદદ ન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. દુનિયાભરમાં લોકશાહી અને સત્તાવાદની વિચારધારાની જે લડાઈ ચાલી રહી છે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકાર લે છે. માટે ટિ્વટર જેવી કંપનીઓ પર ઘણી મોટી જવાબદારી છે.SSS