વડોદરામાં પૂર્વ મંત્રી યોગેશ પટેલની કારમાં આગ લગાડનાર શખ્સ ઝડપાયો
વડોદરા, માંજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી ઇનોવા ગાડીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અગાઉ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવી રહ્યું હતું.
જાેકે, કારના ડ્રાઇવરે આપેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા કારને સળગાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે કારમાં આગ લગાવનાર આરોપી હનીસ મોહમ્મદ હનીફ દારૂવાલાને ઝડપી પાડ્યો છે.
ધારાસભ્યની કારના ડ્રાઇવર ગૌરવ પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે CCTV ફૂટેજને આધારે શંકાસ્પદ વ્યક્તિ ગાડી પાસે હિલચાલ કરતો જણાઇ આવ્યો હતો.
જેના આધારે પોલીસે મોગલવાડાના મોહમ્મદ હનીસ મોહમ્મદ હનીફ દારૂવાલાને ઝડપી પાડ્યો હતો. જેનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે, ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે અને પોલીસ આગામી દિવસોમાં તપાસ કરીને આરોપી સાથે કોણે ટેલિફોનિક વાતચીત કરી હતી. તે દિશામાં પણ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.
૨૬ જાન્યુઆરીએ રાત્રે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જાેકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે ૩થી ૩ઃ૩૦ વાગ્યાના સુમારે તેઓની કારમાં એકાએક ફાટી નીકળી હતી. પોલીસ તપાસ બાદ આગ લાગી નહીં પણ લગાડવામાં આવી હોવાનું ખુલ્યું છે.
વડોદરાના જ્યુબિલી બાગ પોલીસ ચોકીની બાજુમાં શખ્સે કારમાં આગ લગાવી હતી. જેથી પોલીસ હાજર હતી કે નહીં તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત જે કારમાં આગ લગાવી તેની આજુબાજુમાં પણ અન્ય કાર્સ પડી હતી. જાે બીજી કારમાં પણ આગ ફેલાઇ હોત તો ૪થી ૫ કાર આગની ચપેટમાં આવી જાત.HS