Western Times News

Gujarati News

લખતરમાં આઇશરના ચાલકે કાબૂ ગુમાવતાં ચાલક સહિત અન્ય બે મહિલાના મોત

Files Photo

લખતર, લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર આવેલા લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામ નજીક એક આઇશરનાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગામનાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર અને ગામની પાણી ભરીને આવતી ૨ મહિલાના મોત નીપજ્યા હતાં. અન્ય ગામનાં ૨ લોકોને ઈજાઓ પહોંચી હતી. તો આ અકસ્માત ડ્રાઈવરચાલકે બમ્પ કુદાડી દેતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ હાઇવે ઉપર તા. ૨૮-૧-૨૨ને શુક્રવારના રોજ લખતર તાલુકા મથકથી ત્રીસેક કી.મી. દૂર તાલુકાનું વિઠ્ઠલાપરા ગામ સ્ટેટ હાઇવેને અડીને આવેલું છે.

ત્યારે આ ગામની મહિલાઓ પાણી ભરવા જઇ રહી હતી. તે સમયે આઇશરચાલકે ગામ નજીકનો બમ્પ કુદાડતા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ બોડીનું આઇશર મહિલાઓને અડફેટે લઈ ગામનાં બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાયું હતું.

જેમાં ડ્રાઈવર ખેરાજ રામ અને ગામનાં લક્ષ્મીબેન ઘનશ્યામભાઈ ઉપદળાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. તો લક્ષ્મીબેનની સાથે રહેલા ટિડીબહેનનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો ગામનાં ૨ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. લખતર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર જ્યારે-જ્યારે મંત્રી કે મોટા નેતાઓ પસાર થવાના હોય છે. ત્યારે રોડનાં બમ્પ ઉપર ઝીબ્રા ક્રોસિંગ કરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન ન અપાતું હોવાથી બમ્પ ઉપર ઝીબ્રા ક્રોસિંગ ભૂંસાઈ જવાના કારણે વાહનચાલકોને દેખાતા નથી. અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું ગ્રામજનોમાં ચર્ચાતું હતું.

વિઠ્ઠલાપરા ગામનો પાણીનો સંપ ગામની સામેની બાજુએ આવેલો છે. જેથી ગામની મહિલાઓ રોજ સાંજે પાણી ભરવા માટે જાય છે. ત્યારે પાણી ભરવા સ્ટેટ હાઇવે ક્રોસ કરીને જવું પડતું હોવાથી લક્ષ્મીબેન, ટિડીબેન સહિતની મહિલાઓ પાણી ભરવા જતી હતી. તે સમયે આઇશરે અડફેટે લેતા લક્ષ્મીબેન અને ટિડીબેનનું અવસાન થયું હતું. અને અન્ય બેએક મહિલાઓને ઈજાઓ પહોંચી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.