શહેરમાં ગેરકાયદે વિદેશ મોકલનારા હજારો બોગસ એજન્ટનો રાફડો ફાટ્યો
અમદાવાદ, વિદેશમાં યેનેકન રીતે સ્થાયી થઇને રૂપિયા કમાવાનો શોખ આજકાલથી નહીં પરંતુ ઘણા વર્ષોથી ગુજરાતીઓમાં જાેવા મળી રહ્યો છે. અમેરિકા, લંડન કે પછી દુનિયાના કોઇપણ ખૂમે ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે અને ડોલર, પાઉન્ડમાં રૂપિયા કમાઇ રહ્યા છે.
ગુજરાતીઓ લાખો કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે વિદેશમાં પહોંચી જાય છે. જેમને પહોંચાડવાની સૌથી મોટી જવાબદારી ેજન્ટોની હોય છે. વિદેશમાં ગેરકાયદે રીતે સ્થાયી થવાનું કમિટમેન્ટ આપીને લાખો રૂપિયા કમાતા એજન્ટોનો અમદાવાદમાં રાફડો ફાટી નીકળ્યો છે જે અમદાવાદ સહિત ગુજરાતમાં રહેતા લોકોને વિદેશમાં મોકલે છે.
સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ વિઝિટર વિઝાના આધારે વિદેશમાં જઇને રૂપિયા કમાવવા માટેનો ક્રેઝ આજકાલ યુવાનોમાં જાેવા મળી રહ્યો છે. કેટલાક યુવાઓના માતા પિતાની એવી માનસિકતા હોય છે. અહીં મહેનત કરશે તો કશું જ નહીં કમાય, પણ જાે વિદેશમાં જશે તો તેનું અને અમારું જીવન સુખી થઇ જશે.
આ પ્રકારનો વિચાર ધરાવતા માતા પિતા તેમના સંતાનોને વિદેશમાં મોકલવા માટે તૈયાર થઇ જાય છે. અમદાવાદમાં અલગ અલગ પદ્ધતિથી વિદેશમાં લઇ જનાર એજન્ટો તેમજ કંપનીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. એજન્ટો માતા પિતાને મળે છે અને પહેલી મિટિંગમાં કયા દેશમાં નોકરી સારી મળી શકે, કયા દેશમાં એજ્યુકેશનનો ખર્ચ ઓછો થાય તેમ સજમાવતા હોય છે અને ત્યારબાદ દેશ નક્કી કરીને રૂપિયા ખર્ચવાનો ખેલ શરૂ થાય છે.
ગેરકાયદે જવા માટે લાખો કરોડોનો ઢગલો કરવામાં આવે છે ઃ સ્ટુડન્ટ વિઝા પર જવા માટે પરીક્ષા આપવી પડતી હોય છે પરંતુ જ્યારે ગેરકાયદે જવુ હોય ત્યારે એજન્ટો પાસે લાખો રૂપિયાનો ઢગલો કરી દેવો પડતો હોય છે. અમદાવાદના એજન્ટોનો વિદેશમાં રહેતા એજન્ટો સાથે સંપર્ક હોય છે.
જેના કારણે ઘૂસણખોરી શક્ય હોય છે. યુએસમાં જવા માટે અમેરિકન દેશ જેવા કે નિકારાગુઆ, પનામા, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર, ઇક્વાડોર, મેક્સિકો બોર્ડર પાસ કરવી પડે છે. આ સિવાય જર્મનીમાં જતા કેટલાક લોકોને રેફ્યુજી બનીને રહેવું પડે છે જ્યાં સરકાર રહેવાની સગવડ સાથે લાખો રૂપિયા બેઠા બેઠા આપે છે અને બાળકોના એજ્યુકેશન પણ મફતમાં આપે છે. પહેલા એજન્ટો અડધા રૂપિયા લે છે અને વિદેશમાં પહોંચી ગયા બાદ પૂરા રૂપિયા લઇ લેતા હોય છે.
કબૂતરબાજી કરનાર ગેંગ પણ સક્રિય ઃ ગેરકાયદે વિદેશમાં મોકલનાર એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે કબૂતરબાજી કરનાર ગેંગ પણ વધી ગઇ છે. એજન્ટો બનીને આ ગેંગ લોકો પાસેથી વિદેશ લઇ જવાને બહાને લાખો રૂપિયા પડાવી લે છે અને ત્યારબાદ નાસી જાય છે.
શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં કબૂતરબાજી કરી હોવાની અનેક ફરિયાદો નોંધાય છે જ્યારે વિઝાના નામે રૂપિયા લઇને ઠગાઇ કરી લીધી હોવાની પણ અનેક ફરિયાદો નોંધાય છે. યુવાનોના માતા પિતા સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લાવે છે જ્યારે સોનુ તેમજ જમીન વેચીને પણ રૂપિયા લાવતા હોય છે. હાલ શહેરમાં એજન્ટોની સાથોસાથ કબૂતરબાજી કરનાર ગેંગનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. એજન્ટો એટલી હદે આગળ વધી ગયા છે કે પાસપોર્ટ પણ ડુપ્લિકેટ બનાવી આપે છે અને તેમાં અનેક દેશોમાં ગયા હોવાના સ્ટેમ્પ પણ મારી આપીને કૌભાંડ આચરે છે.(એનઆર)