જાણો છોઃઆ તળાવના થીમ પાર્કમાં સંગીતના વિવિધ રાગ હેડફોન લગાવીને સાંભળવાની મઝા માણી શકાય છે
ગુજરાતના મુખ્ય સચિવે વડનગર અને મહેસાણાના ધરોઇડેમની મુલાકાત લઇ, પ્રવાસન અંતર્ગત થઇ રહેલા કામોની સમીક્ષા કરી
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.તેઓ વડનગર પહોંચ્યા ત્યારે મહેસાણા જિલ્લાના ઉપસ્થિત અધિકારીશ્રીઓએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
વડનગરની વિવિધ સાઇટોની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવશ્રી પંકજકુમારની સાથે વડનગરના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સોમાભાઇ મોદી,રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રી અશ્વિનીકુમાર,પ્રવાસન વિભાગના સચિવશ્રી હારિત શુક્લા, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી ડો ડી..કે.શર્મા,કલેકટરશ્રી ઉદિત અગ્રવાલ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો પાર્થરાજસિંહ ગોહિલ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સહિત મહેસાણાના વિવિધ ખાતાના અધિકારીઓ પણ જોડાયા હતા
મુખ્ય સચિવશ્રીએ વડનગરના અંબાજી કોઠા લેઇક, શર્મિષ્ઠા તળાવના થીમ પાર્ક, તાના-રીરી પાર્ક, મ્યુઝિયમ ઓફ મ્યુઝિક, સ્પોર્ટસ કોમ્પેલેક્ષ, આર્ટ ગેલેરીની રૂબરૂ મુલાકાત લઇ, સ્થળ નિરીક્ષણ કરી, માહિતીથી મેળવી હતી. તેમણે વડનગરના વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પુરા કરવા માટે અને પ્રોજેક્ટના વધુ સારા ડેવલપમેન્ટ માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
શ્રી પંકજ કુમારે વડનગરના ઇતિહાસને જીવંત કરતી આર્ટ ગેલેરીમાં ટુરિસ્ટ ગાઇડ પાસેથી ઇતિહાસ જાણવામાં,સમજવામાં ખાસ્સો સમય કાઢી, રસ લીધો હતો. તેમણે અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ થ્રિડી થીયેટરમાં વડનગરના ઇતિહાસને માણ્યો હતો. આ ઉપરાંત તેમણે શર્મિષ્ઠા તળાવના થીમ પાર્કમાં જીવંત કરાયેલા સંગીતના વિવિધ રાગ પૈકી કેદારરાગ હેડફોન લગાવીને સાંભળ્યો હતો.
તેમણે વડનગરના રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, પોતાના પિતાની ચાની જે કિટલી પર કામ કરતા હતા તેની પણ મુલાકાત લીધી હતી.,
વડનગરમાં તેઓએ પ્રેરણા સ્કૂલ અને નિર્માણાધીન સંગ્રહાલયની મુલાકાત લીધા બાદ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, જૈન દૈરાસર, ભવાની મંદિર જવાના આખા રસ્તા પર, ગલીઓમાં પગપાળા ચાલીને ઉત્સાહથી બધી વિગતો મેળવી હતી.આ વેળાએ વડનગરના લોકો તેમને જોવા માટે ઉમળકાથી પોતાની ઘરની બારીઓ અને ઓટલે ગોઠવાઇ ગયા હતા.
મુખ્ય સચિવશ્રીએ વડનગરમાં નિર્માણાધીન સ્પોર્ટસ કોમ્પલેકસની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ હોટલ તોરણના કોન્ફરન્સ રૂમમાં મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે વડનગરનો વારસો અંતર્ગત જિલ્લામાં કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન, મુખ્ય સચિવશ્રી સમક્ષ કર્યું હતું. તેમણે ગુજરાત પ્રવાસન અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વડનગરમાં પ્રવાસન અને હેરીટેજ સ્થળ તરીકે વિકસાવાઇ રહેલાં વિવિધ પ્રોજેક્ટની જાણકારી મેળવી ,સમીક્ષા કરી હતી
શ્રી પંકજકુમારે સાબરમતી જળાશય યોજના આધારિત ધરોઇ બંધની મુલાકાત લીઘી હતી. તેમણે ધરોઇ ડેમને મહેસાણા જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની શક્યતાના વિવિધ પ્રોજેક્ટોને અમલમાં મૂકવાના ભાગ રૂપે,સ્થળ નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
ધરોઇ ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર આઇડેન્ટીફાઇ કરવામાં આવેલી અમદાવાદની એજન્સી આઇ.એન.આઇ ડિઝાઇનના આર્કિટેકટ અને કન્સલટન્ટ શ્રી હર્ષ ગોહેલ અને ધરોઇ ડેમના એન્જિનિયર શ્રી પટેલે તેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર સ્થળો અને વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી.
મહાનુંભાવોના હસ્તે હોટલ તોરણ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડનગરની વિવિધ સાઇટની મુલાકાત લઇ નયન રમ્ય અને મનોહર દશ્યથી મુખ્ય સચિવશ્રી પ્રભાવિત થયા હતા.