કન્ટેનરમાં મગના બોક્સની આડમાં છૂપાવી દારૂની હેરાફેરી: ર૬ લાખનો દારૂ ઝડપાયો
પેટલાદ પાસેથી ર૬ લાખનો દારૂ ઝડપાયો -મગના બોક્સની આડમાં દારૂની હેરાફેરી
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ તાલુકાના ભૂરાકોઈ પાસેથી ગતરોજ રૂા. ર૬ લાખનો દારૂ ઝડપાયો હતો. એક કન્ટેનરમાં મગના બોક્સની આડમાં છૂપાવી દારૂની હેરાફેરી થઈ રહી હતી. આ કન્ટેનર તારાપુર ચોકડી તરફ થઈ રહ્યું હતુ ત્યારે ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ આણંદ એલસીબી પેટલાદ તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેવામાં એલસીબી પીઆઈ પી એ જાદવને દારૂની હેરાફેરી એગેની બાતમી મળી હતી. જેથી ધર્મજ ચોકડીથી તારાપુર ચોકડી હાઈ-વે ઉપર વોચ ગોઠવી હતી. મળેલ બાતમી મુજબ એક કન્ટેનર માણેજ પાસે દર્શન હોટલ સામેથી પસાર થઈ રહ્યું હતુ
જેને ઉભા રાખી તપાસ કરવામાં આવી હતી. આ કન્ટેનર ટ્રક એમએચ ૪૬ બીબી પ૧૭પમાં હેપ્પી મગના બોક્સ ગોઠવેલા હતા. આ બોક્સ પાછળ તપાસ કરતા બંધ બોડીનુ સીલ મારેલ અને લોખંડની પ્લેટ ગોઠવેલ ખાનુ મળી આવ્યું હતુ. જે ખોલી તપાસ કરતા તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેમા મેક્ડોવેલ્સ વ્હિસ્કી, રોયલ ચેલેન્જ વ્હિસ્કી, ઓલ સિઝન ગોલ્ડન વ્હિસ્કી, પ્રિમિયમ વોડકા જેવા વિદેશી દારૂના પ૬૯ બોક્સ મળી આવ્યા હતા. જેમા રૂા.ર૬.૧૧ લાખની ૬૮ર૮ બોટલોની હેરાફેરી થઈ રહી હતી. વિદેશી દારૂના આ જથ્થા સાથે હેપ્પી મગના ૩૭પ બોક્સ, કન્ટેનર ટ્રક અને અન્ય મુદ્દામાલ સાથે રૂા.૪૬.પ૧ લાખ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના રેવાડી પાસેથી કન્ટેનર ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. જ્યાથી આ દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઈસ્લામભાઈએ ટ્રક ડ્રાઈવર હરવિન્દરસિંગને આપ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે આ વિદેશી દારૂના જથ્થામાં તમામ બોટલો ઉપર ફોર સેલ ઈન હરિયાણા ઓન્લિ લખેલ હતુ. છતા આ જથ્થો ગુજરાતના રાજકોટ તરફ લઈ જવાતો હોવાનુ પાોલીસ ફરિયાદ દ્વારા જાણવા મળે છે.