Western Times News

Gujarati News

સરખેજમાં પોલીસે અલગ અલગ દરોડા પાડીને ૧૦ મહિલા બૂટલેગરોને પકડી

પ્રતિકાત્મક

પોલીસે સરખેજના લિસ્ટેડ બુટલેગર, દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ચોરી છુપીથી દેશી દારૂનું વેચાણ કરનારને ત્યાં રેડ કરી

અમદાવાદ, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે. પુરુષ બૂટલેગરો આ ધંધામાં ખુબ જ સક્રિય છે ત્યારે હવે મહિલાઓએ પણ દેશી દારૂના ધંધામાં ઝંપલાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે અલગ અલગ દરોડા પાડીને કુલ ૧૦ મહિલા બૂટલેગરોને પકડી હતી. આ તમામ પોતાના ઘરે જ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હતી. પોલીસે સરખેજના વણઝર, બાજરાવાડ, ઉજાલા સર્કલ ખાતે દરોડા પાડ્યા હતા.

જ્યાંથી અલગ અલગ ઘરમાંથી દેશી દરૂ ગાળીને વેચવાની સામગ્રી મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે સરખેજ પોલીસે ૧૦ મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી અને દેશી દારૂનો જથ્થો અને સામગ્રી જપ્ત કરી હતી. ૧૦ મહિલાઓ પૈકી અનેક મહિલાઓ અગાઉ પણ દેશી દારૂના કેસમાં ઝડપાઇ ચુકી છે.

સરખેજ પોલીસે સરખેજના લિસ્ટેડ બુટલેગર, દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ચોરી છુપીથી દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગરને ત્યાં રેડ કરી હતી. અલગ અલગ જગ્યા પર રેડ કરીને ૧૦ મહિલા બુટલેગરોને દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની સામગ્રી સાથે ઝડપી પાડી હતી.

પકડાયેલ મહિલાઓ પૈકીની અનેક મહિલાઓ અગાઉ ઝડપાઇ ચુકી છે. ૨-૩ મહિલાઓ સામે પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલી મહિલા બૂટલેગરોની વાત કરીએ તો જયા કાવઠીયા, કોકિ કાવઠીયા, લાષ્મી જાડેજા, કૈલાશ ચુનારા, સજન ચુનારા, રાખી વાઘેલા, અંકિતા ચુનારા, હંસા ચુનારા, નિકિતા રાઠોડ અને લલિતા રાઠોડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ બાતમીના આધારે એલીસબ્રીજ એનએચએલ મ્યુનિ મેડિકલ કોલેજના વાહન પાર્કીંગમાંથી ૪૮.૦૯૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની સઘન પુછપરછ હાથધરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ શહેર નાં અલગ અલગ વિસ્તાર માં પેટ્રોલીંગ કરી રહી હતી.

ત્યારે બાતમી મળી હતી કે, એલીસબ્રીજ એનએચએલ મ્યુનિ મેડિકલ કોલેજમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ દ્વારથી પૂર્વે આવેલા વાહન પાર્કીંગની જગ્યાએ એક યુવક એમ. ડી ડ્રગ્સ નો જથ્થો રાખી મુક્યો છે, જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડીને ડ્રગ્સ નો જથ્થો રાખનાર અબ્દુલવહીદ ઉર્ફે બમ્બૈયા શેખને ઝડપી પાડ્યો હતો.

તેની પાસેથી કુલ ૪૮.૦૯૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની બજાર કિંમત ૪.૮૦ લાખ થાય છે તે ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીની પુછપરછ કરતા તેણે અમદાવાદથી ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે પોતાના પરીચીત વ્યક્તિને મોબાઈલ પર સંપર્ક કરીને એમડી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો અને પરત અમદાવાદ આવીને વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.