Western Times News

Gujarati News

દેવગઢબારિયામાં સ્ટેટ હાઇવેના ખાડાઓ પુરવામાં પણ ભ્રષ્ટાચાર

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ભ્રષ્ટાચારના ભોરિંગને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બનેલ સીસી રોડ પર પડેલા મસમોટા ખાડાઓ ભ્રષ્ટાચારની ચાડી ખાતા જાેવા મળી રહ્યા છે. જે રાહદારીઓથી માંડી વાહન ચાલકોને પણ ત્રાહિમામ પોકારાવી રહ્યા છે

અને તેઓની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. નવા મંત્રી બનતા તેઓએ પોતાની શાખ જમાવવા રસ્તા ઉપરના ખાડાઓ બાબતે કરેલ જાહેરાત અંતર્ગત ચોમાસામાં ધોવાઇ ગયેલા દેવગઢબારિયા નગરના મુખ્ય માર્ગ પરના આ ખાડાઓ પુરી સીસી રોડ પર ડામરના પેચ મારી રસ્તાઓ તાત્કાલિક સરખા તો જરૂર કર્યા હતા.

પરંતુ થોડા જ દિવસોમાં આજ સી.સી.રોડ પર ભ્રષ્ટાચારની ચાડી ખાતા ખાડાઓ પુરવામાંં પણ ભ્રષ્ટાચાર આચરતા ફરીવાર ખાડા પડી જતા આ કામગીરી માત્ર રોતાં છાના રાખવા જેવી સાબિત થતી જાેવા મળી રહી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરના મધ્યમાંથી પસાર થઈ રહેલા સ્ટેટ હાઇવે રોડ પર અનેક નાના-મોટા ખાડા પડી ગયા છે. જેનું સમારકામ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કારણસર ખોરંભે પાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓની ગાડીઓ આ રસ્તા પરથી રોજબરોજ કેટલીયે વાર ત્યાંથી પસાર થતી હશે અને આ ખાડાઓની અસર તેમને પણ દેખાતી હશે.

તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ સ્ટેટહાઇવેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. તેવા જ સમયે બારીયા નગરના પ્રવેશ દ્વાર થી ભેદરવાજા રોડ સુધી વચ્ચે જ ઘણા ખાડાઓ પડી ગયો છે. જે ગોઝારા અકસ્માતનો ખતરો પેદા કરી રહ્યો છે.

આ રસ્તા પરથી ભારે વાહનો પસાર થવાના કારણે દિનપ્રતિદિન આ ખાડો વધુને વધુ મોટો થતો જઈ રહ્યો છે. જેના કારણે નગરજનોમાં વાહનોને નુકસાન થવાની તેમજ જાણે અજાણી મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
દે.બારીયા નગર થી ૧૪ કી.મી પીપલોદ બાયપાસ પાસે બનેલ ઇન્દોર અમદાવાદ હાઇવે પણ સીસી રોડ થી બનેલ છે અને આટલા વર્ષો વિતી જતા પણ આજે સલામત ખાડા વિના જાેવા મળી રહ્યો છે.

ત્યારે બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ખાડાવાળા સી.સી રોડ પર સરકારી નિયમોને નેવે મૂકી આ જ ઇજારદાર દ્વારા ડામોરના પેચ મારી ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરવામાં આવતા નગરજનોમાં ભારે આશ્ચર્ય ફેલાવા પામ્યું હતું.

ત્યારે સ્ટેટ હાઇવે રોડની કોર કટિંગ કરી કોંક્રિટની ગુણવતા લેબોરેટરીમાં ટેસ્ટીગ કરવામાં આવે તો અસલ અને એસ્ટીમેટ અને ટેન્ડરની કોંક્રિટની ગુણવતા જે બતાવી હતી. તે છે કે નહિ તે પ્રાથમિક તપાસ કરાવવામાં આવે તો દૂધ કા દૂધ અને પાણી કા પાણી થાય !

સીસી રોડના કામમાં વપરાયેલ તમામ મટીરીયલની કવોલિટી, ગુણવત્તા કેટલી ? તેનું પ્રમાણ કેટલું? તે કેટલા સમય સુધી ટકશે ? તે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગના ઉચ્ચ સ્તરેથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.