Western Times News

Gujarati News

૧૯ લાખનાં ડ્રગ સાથે શાહપુરના પ ઈસમોની ધરપકડ કરી

Files photo

ભેજાબાજે કારના ગિયરબોક્સ નીચે ગુપ્ત ખાતાનામાં ડ્રગ્સ છુપાવ્યું હતુ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં હાલના સમયમાં પોલીસ તંત્ર દ્વારા ડ્રગ માફીયાઓ વિરુધ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટુંક સમયમાં મોટી સંખ્યામાં જ ડ્રગ પેડલરોને પકડીને જેલને હવાલે કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેર એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ)એ પણ એક કાર્યવાહી દરમિયાન શાહપુરના પાંચ ઈસમોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૧૯ર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે એસઓજીના પીઆઈ કે.બી. રાજવીની ટીમને કેટલાંક ઈસમો એમડી ડ્રગ્સનો જથ્થો લાવી શહેરમાં પ્રવેશવાનાં હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે વોચ ગોઠવતાં ગોમતીપુર સારંગપુર બ્રીજના છેડે મોડી રાત્રે એક બેલેનો કાર આવી હતી જેને કોર્ડન કરી તપાસ કરતાં મોહમંદ પરવેઝમિયા ઈસ્માઈલમિયા (શાહપુર), મઝહરખાન ઐયુબખાન પઠાણ, સાજીદહુસેન અનવરહુસેન મલેક, ઈમરાન અમન ઉલ્લા પટેલ, તથા મોઈનુદ્દીન કમરૂદ્દીન કાગઝી મળી આવ્યા હતા પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ૧૯ર.પ ગ્રામ રૂપિયા ૧૯.રપ લાખ રૂપિયાની કિંમતનુ એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું આ અંગે પોલીસે ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચેય આરોપીઓમાં મુખ્ય સુત્રધાર પરવેઝમિયાં છે જે ડ્રગનો ધંધો કરતો હતો પ્રાથમિક પુછપરછમાં પકડાયેલી કાર તેની જ હોવાનું સામે આવ્યું છે જેમાં તે રાજસ્થાનમાં રહેતા કોઈ ઈસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો પરવેઝ છેલ્લાં ચારેક મહીનાથી આ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો.

પોલીસે તેમની કારની તપાસ કરી એ વખતે તેમાંથી વાંધાજનક વસ્તુ મળી ન હતી પરંતુ તેમની પાસે પાકી માહીતી હોવાથી સઘન તપાસ કરતાં કારના ગિયર બોકસ નીચે ગુપ્ત ખાનામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું આ કાર્યવાહી સમયે એસઓજીની ટીમ ત્રણથી ચાર કલાકથી વોચમાં હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.