નંદાસણ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત
અમદાવાદથી થરા જતા લોકોને અકસ્માત નડ્યોઃ ઇકો કાર અને ઇસુઝુ વચ્ચે અકસ્માતમાં ૧૩ જણાં ઘાયલ ઈજાગ્રસ્તો થરા તેમજ ટોટાણા ગામના હોવાનું સામે આવ્યું
અમદાવાદ, મહેસાણા-અમદાવાદના રૂટ પર નંદાસણથી અમદાવાદ હાઈવે પર જીપ અને ઈકો કાર વચ્ચે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનુ મોત થયુ હતુ જયારે અન્ય ૧૩ જણાં ઘાયલ થયા હતા. જા કે, કોઇ જાનહાનિ નહી નોંધાતા ભારે રાહત રહી હતી. અકસ્માતને પગલે હાઇવે પર થોડી વાર માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદથી બનાસકાંઠાના થરામાં બેસણામાં જઈ રહેલા લોકોને અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આજે સવારે ૭-૦૦ વાગ્યે ઈકો ગાડીનો ઈસુઝુ ડી -મેક્સ પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા પહેલા મહેસાણા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
સવારે નંદાસણમાં ઓવરબ્રીજ ઉતરતા આગળ આવેલી ગાર્ડન સફારી હોટલ પાસે ઈકો ગાડી જીજે ૦૧એટી ૩૮૫૨ અને ઈસુઝુ પીકઅપ જીજે ૦૨ ઝેડઝેડ ૩૫૩૮ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મહેસાણા તરફ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને જેમાં નરેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ. ૪૨)(રહે. ઓઢવ રબારી કોલોની)ને નંદાસણ હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોનો કૂરચેકૂરચા નીકળી ગયા હતા. ઈકા કારમાં સવાર અન્ય ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો થરા અને ટોટાણા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ થયો હતો. પોલીસે પણ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી.