Western Times News

Gujarati News

અમદાવાદમાં યુવતિએ આંતર વસ્ત્રોમાં છૂપાવેલ બે લાખનું એમડી ડ્રગ્સ પકડાયું

અગાઉ ક્રાઇમબ્રાંચે પકડેલા એમડી ડ્રગ્સના રૅકેટ સાથે કનેક્શન હોવાની શંકાઃ મહિલા અને પુરૂષ પાસેથી -બે લાખનું ૧૯ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું
અમદાવાદ, શહેર જાણે નશીલા પદાર્થનો વેપલો ચલાવવા માટે હબ બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વધુ એક વખત ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પોલીસને શંકા ન જાય એટલા માટે ડ્રગ્સના બંધાણીએ મહિલા મિત્રને સાથે રાખી હતી.

મહિલાએ પોલીસથી બચવા આંતર વસ્ત્રોમાં આ ડ્રગ્સ છૂપાવ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થો જેવા કે ચરસ, ગાંજો કે પછી ડ્રગ્સનો વેપલો બેખોફ રીતે ચાલી રહ્યો છે. થોડાસમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. હવે વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જથ્થાની માત્રા ખૂબ ઓછી છે પરંતુ એમડી ડ્રગ્સ એ ખૂબ ખતરનાક ડ્રગ્સ હોય છે.

એસઓજી એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું કે, પીઆઇ એ. ડી. પરમારને બાતમી મળી હતી કે મુંબઈથી આવી રહેલી બસમાં નાશીર શેખ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. જેથી તેની અટકાયત કરવામાં આવી હતી. તેની સાથે તેની મહિલા મિત્ર નીલમ પરમાર હતી. મહિલાની તપાસ કરતા તેણે પોતાના આંતર વસ્ત્રોમાં ડ્રગ્સ સંતાડ્‌યું હતું. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે નાશીર એમડી ડ્રગ્સનો બંધાણી છે. થોડા સમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઝડપી લેતા શહેરમાં ડ્રગ્સનું વેચાણ બંધ થયું છે. આથી તે નદીમ નામના શખ્સ પાસે ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં નદીમ સાથે મુલાકાત કરી તેની પાસેથી ૧૯ ગ્રામ ડ્રગ્સ ખરીદ્યું હતું. જેની બજાર કિંમત ૨ લાખ જેવી થાય છે.

નીલમ બાબતે પોલીસે જણાવ્યું કે તે હોટેલમાં કામ કરે છે. અહીં જ નીલમ અને નાશીરને મુલાકાત થઇ હતી. પોલીસને શંકા ન જાય તે માટે તેને મુંબઈ સાથે લઇ ગયો હતો. નિલમના અગાઉ લગ્ન થયા હતા. બાદમાં તે પરત આવી હતી. એક શખ્સના પ્રેમમાં પડતા પરિવારે તેને કાઢી મૂકી હતી. બાદમાં તે ભાડે રહેવા લાગી હતી, આ દરમિયાન તેની મુલાકાત હોટલમાં નાસીર સાથે થઇ હતી.

એસઓજી દ્વારા ચાલુ વર્ષમાં જ અફીણ ગાંજો ચરસ અને ડ્રગ્સના કુલ ૧૩ કેસ કરી ૨૬ જેટલા આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૨૩ કેસ કરી કુલ ૪૩ આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે થોડાસમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઝડપી લીધું હતું. જેમાં પણ મુંબઈના નદીમ નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. વધુ એક વખત તેનું નામ સામે આવતા હાલ એસઓજીએ મુંબઈના નદીમ નામના શખ્સની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.