અમરાઈવાડીમાં જાહેર રોડ પર જ કુખ્યાત આરોપીનો યુવક પર હુમલો
તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા વાગતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો |
અમદાવાદ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો આંતક ખૂબ જ વધી ગયો છે આ વિસ્તારમાં પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ હત્યા અને મારામારીના બનાવો બની રહયા છે અમરાઈવાડીના ભરચક વિસ્તારમાં ગઈકાલે એક યુવક પર કુખ્યાત શખ્સે શસ્ત્ર હુમલો કરી તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકતા આ યુવકને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયાં તેની હાલત અત્યંત નાજુક છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે જાકે હુમલાની કારણ હજુ બહાર આવ્યું નથી.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કેટલાક અસામાજિક ત¥વો દ્વારા ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો સતત ફફડતા હોય છે આ વિસ્તારમાં સાંજ પડતા જ ગુંડારાજ શરૂ થઈ જાય છે જેના પરિણામે હુમલા અને હત્યાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ..
અમરાઈવાડી વિસ્તારમાં જ સત્યનારાયણ નગરમાં રહેતા ૩૪ વર્ષીય હિરેન શાહ નામનો યુવક રસ્તા પરથી પસાર થઈ રહયો હતો આ દરમિયાનમાં જ અમીત નામનો એક કુખ્યાત શખ્સ તેની પાસે આવ્યો હતો અને તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.
આ દરમિયાનમાં ઉશ્કેરાયેલા આરોપીને પોતાની પાસેની છરી કાઢી હિરેન શાહ પર હુમલો કરતા જ નાસભાગ મચી ગઈ હતી કુખ્યાત આરોપીએ હુમલો કરતા જ સ્થાનિક નાગરિકો પણ ગભરાઈ ગયા હતા આરોપીએ હિરેન શાહના શરીરના અનેક ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો.
આ દરમિયાનમાં આસપાસના લોકો હિંમત કરી એકત્ર થતાં આરોપી ફરાર થઈ ગયો હતો એકત્ર થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા હિરેન શાહને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહયું છે. જાહેર રોડ પર જ યુવક પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડવાની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયેલો છે.
પોલીસે આ અંગેની માહિતી મેળવી આરોપીને ઝડપી લેવા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લેવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ ગોળીબાર કરવા સહિતની અનેક ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું મનાઈ રહયું છે. અમરાઈવાડી પોલીસે આરોપીની સઘન પુછપરછ શરૂ કરી છે.