નાસા પોતાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં રિટાયર કરી દેશે
નવી દિલ્હી, અમેરિકાની અવકાશી સંસ્થા નાસા દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030ના અંત સુધીમાં રિટાયર કરી દેવામાં આવશે. 2000ની સાલમાં આ સ્પેસ સ્ટેશનને લોન્ચ કરવામાં આવ્યુ હતુ.હાલમાં તે ધરતથી 227 નોટિકલ માઈલ ઉપર ભ્રમણકક્ષામાં છે અને 19 દેશોના 200થી વધારે અવકાશયાત્રીઓ તેમાં રોકાણ કરી ચુકયા છે.
નાસાનુ કહેવુ છે કે, પ્રાઈવેટ સેક્ટર હવે નાણાકીય રીતે અને ટેકનોલોજીની દ્રષ્ટિએ વ્યાપારિક સ્પેસ સ્ટેશન બનાવવા માટે સક્ષમ છે અને નાસા પણ તેમાં મદદ કરશે.
નાસાના કોમર્સિયલ સ્પેસ ડિરેક્ટર ફિલ મેકએલિસ્ટરના મતે કોંગ્રેસને નાસા દ્વારા એક રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે.જેમાં 2030માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને રિટાયર કરી દેવાયા બાદ પ્રાઈવેટ સેક્ટરને અવકાશમાં સ્પેશ સ્ટેશન માટેની કામગીરી કેવી રીતે સરળતાથી ટ્રાન્સફર કરી શકાય તે માટેનો વિસ્તૃત પ્લાન જણાવવામાં આવ્યો છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને રિટાયર કરવાના ભાગરુપે આ સ્પેસ સ્ટેશનને પ્રશાંત મહાસાગરના દક્ષિણ વિસ્તારમાં પાડી દેવામાં આવશે .આ વિસ્તાર પોઈન્ટ નેમો તરીકે ઓળખાય છે.આ માટે જાન્યુઆરી 2031નો સમય નક્કી કરવામાં આવ્યો છે.
પોઈન્ટ નેમો ધરતીથી સૌથી દુર આવેલો હિસ્સો છે.તે ન્યૂઝીલેન્ડનના પૂર્વીય કાંઠાથી 3000 માઈલ દુર છે . અને 1971થી લઈને આજ સુધીમાં રશિયા, જાપાન , અમેરિકા તેમજ યુરોપિયન દેશોના 263 જેટલા અવકાશ યાનને આ હિસ્સામાં તોડી પાડવામાં આવ્યા છે.
સ્પેશ સ્ટેશનના નામે ઘણી સિધ્ધિઓ બોલે છે.2014માં અવકાશમાં પહેલુ થ્રી ડી પ્રિન્ટિંગ આ સ્પેશ સ્ટેશનમાં થયુ હતુ.2016માં નાસાના ખગોળ શાસ્ત્રી કેટ રુબીન્સે અહીંયા પહેલી વખત ડીએનએ સીક્વન્સિંગ કર્યુ હતુ.
સ્પેસ સ્ટેશન પર શાકભાજી ઉગાડવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક થઈ ચુકયો છે.2015માં અવકાશયાત્રીઓએ અહીંયા ઉગેલા શાકભાજીના સલાડનો પહેલી વખત ટેસ્ટ કર્યો હતો.હવે અહીંયા ગાજર અને મરચા પણ ઉગાડવામાં આવી રહ્યા છે.
ચીનના અવકાશયાત્રીઓને આ પ્રોજેકટથી બાકાત રાખવામાં આવ્યા છે.જોકે ચીને પોતાના પહેલા સ્પેશ સ્ટેશનનો પહેલો તબક્કો ગયા વર્ષે લોન્ચ કરી દીધો છે અને તે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. બીજી તરફ રશિયા સ્પેશ સ્ટેશન પ્રોજેકટમાંથી 2025માં નીકળી જશે.રશિયા પોતાનુ સ્પેશ સ્ટેશન લોન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહ્યુ છે.