Western Times News

Gujarati News

ભારત-પાકિસ્તાન વચ્ચે બેકચેનલથી થઈ રહી છે વાત, ઈસ્લામાબાદ જઈ શકે છે PM મોદીઃ દાવો

નવી દિલ્હી, પાકિસ્તાનના ટોચના વ્યવસાયીઓ પૈકીના એક મિયાં મુહમ્મદ મંશાના કહેવા પ્રમાણે પાકિસ્તાન અને ભારત બેકચેનલની મદદથી વાતચીત કરી રહ્યા છે અને તેના સારા પરિણામો આવશે તેવો અણસાર છે. તેમણે પાડોશના દેશો સાથે સંબંધોમાં સુધારના મહત્વ પર જોર આપ્યું છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનમાં આ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

નિશાત ગ્રુપના અધ્યક્ષ મંશાએ લાહોર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એક બેઠક દરમિયાન જણાવ્યું કે, જો બંને દેશ વચ્ચે સ્થિતિ સુધરે તો ભારતના પીએમ મોદી આગામી એક મહિનામાં પાકિસ્તાનની મુલાકાતે આવી શકે છે.

મંશાએ બંને દેશોના વિવાદો ઉકેલવા અને ક્ષેત્રમાં ગરીબી સામે લડવા બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાનના અર્થતંત્રમાં સુધારો નહીં આવે તો દેશને વિનાશકારી પરિણામો ભોગવવા પડી શકે છે. પાકિસ્તાને ભારત સાથેના વેપાર સંબંધોમાં સુધારો કરવો જોઈએ અને આર્થિક વિકાસ માટે એક ક્ષેત્રીય દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. યુરોપ 2 ખૂબ મોટા યુદ્ધ લડ્યું પરંતુ અંતમાં શાંતિ અને ક્ષેત્રીય વિકાસ માટે સમજૂતી કરી. કોઈ સ્થાયી દુશ્મનાવટ નથી.

ભારતે ઓગષ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી ત્યારથી બંને દેશ વચ્ચેના ટ્રેડ સંબંધો સાવ ઠંડા પડી ગયા છે. જોકે પાકિસ્તાને તાજેતરમાં જ પોતાની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ રજૂ કરી હતી અને ભારત સાથે શાંતિ પર જોર આપ્યું હતું. નવી નીતિ અંતર્ગત પાડોશી દેશો સાથે વધુ સારા સંબંધો બનાવવાની વાત કહેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.