યોગીના મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન

નવી દિલ્હી, યુપીમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન થયો છે. હુમલો કરવા માટે આવેલો શખ્સ ઝેર અને બ્લેડ લઈને આવ્યો હતો. હુમલો કરવા માટે આવેલા આરોપીને કાર્યકરો અને સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો.
સિદ્ધાર્થ નાથ સિંહ ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા હતા તે સમયે હુમલાનો પ્રયત્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહને ઈલાહાબાદ પશ્ચિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સિદ્ધાર્થ નાથ સિંહ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે. તેમણે સંગઠનમાં કાર્યકરથી ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મંત્રી સુધીની સફર ખેડી છે.
ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો છે અને કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે. તેના અંતર્ગત 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચના રોજ મતદાન યોજાશે. જ્યારે 10 માર્ચના રોજ બાકીના રાજ્યો- પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવાની સાથે પરિણામ આવશે.