વસ્ત્રાલમાં મોટર વાહન નિરીક્ષક પર એજન્ટનો હુમલો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાના કારણે આરટીઓનું કામકાજ વ્યાપક બન્યુ છે જેના પરિણામે નાગરિકોની સરળતા માટે વસ્ત્રાલમાં પણ આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી છે જયાં વાહન સંબંધિત કામગીરી માટે ભારે ભીડ જાવા મળે છે વસ્ત્રાલમાં મોટરવાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અધિકારીને આરટીઓ એજન્ટે હુમલો કરી હાથપગ તોડી નાંખવાની ધમકી આપતા સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલ આરટીઓ ખાતે મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષલ દિનેશભાઈ સોસા (ઉ.વ.ર૭) તા.૬ઠ્ઠીના રોજ બપોરના ર.૦૦ વાગ્યે ફરજ પર હાજર હતા અને વાહન ફિટનેશની કામગીરી કરી રહયા હતા આ દરમિયાનમાં આરટીઓ એજન્ટ શૈલેષ નટુભાઈ પટેલ ત્યાં આવ્યા હતા અને અચાનક જ તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા વાહન ફિટનેશની કામગીરી ચાલી રહી હતી.
ત્યારે શૈલેષ પટેલે હર્ષુલ સાથે બોલાચાલી કરી જણાવ્યું હતું કે તુ મારુ વાહન કેમ તપાસ તો નથી પહેલા મારુ વાહન તપાસ પરંતુ હર્ષુલે તેમને ક્રમબંધ પ્રમાણે જ વાહનોની તપાસણી થશે તેવુ જણાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.
એટલું જ નહી ઉશ્કેરાટમાં આવી ગયેલા શૈલેષ પટેલે હર્ષુલને ધક્કો મારી પાડી દીધો હતો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહી પરંતુ હર્ષુલે તુ કેવુ કામ કરે છે તે મને ખબર છે હુ તને જાઈ લઈશ અને તારા વિરૂધ્ધ એસીબીમાં પણ ખોટા કેસો કરીશ હવે પછી અહીયા નજરે પડયો છે તો તારા હાથપગ પણ ભાંગી નાંખીશ.
એજન્ટે મોટર વાહન નિરીક્ષક પર હુમલો કરતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને મોટુ ટોળુ એકત્ર થઈ જતાં શૈલેષ પટેલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. શૈલેષ પટેલ અવારનવાર વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં આવીને સરકારી કામકાજમાં દખલગીરી કરી કર્મચારીઓ સાથે ઝઘડા કરતો હોય છે અને અગાઉ પણ આવા પ્રકારના ગુના તેમની સામે દાખલ થયેલ છે. અને આ અંગે પોલીસ કંટ્રોલને પણ જાણ કરવામાં આવી છે તેમ છતાં ફરી વખત તેમણે હુમલો કરતા તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.