Western Times News

Gujarati News

દુનિયાના ટોપ 10 અમીરોમાં એક ભારતીયઃ ગૌતમ અદાણી 10માં ક્રમાંકે

નવી દિલ્હી, દુનિયાના અમીરોના લિસ્ટમાં આ વર્ષે એક ભારતીયનો પણ સમાવેશ થયો છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી આ લિસ્ટમાં આવી ગયા છે. જ્યારે મુકેશ અંબાણી હવે 11માં નંબરના સૌથી પૈસાદાર બિઝનેસમેન થઈ ગયા છે.

મુકેશ અંબાણી 6 જાન્યુઆરી 2021ના ટોપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારપછી તેઓ 23 સપ્ટેમ્બર 2021માં આ લિસ્ટમાં ફરી આવી ગયા હતા. જોકે 16 ઓક્ટોબર 2021ના રોજ ફરી તેઓ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા.

ફોર્બ્સની રિયલટાઈમ બિલેનિયર રિપોર્ટ પ્રમાણે આજે સવારે 11 વાગે ગૌતમ અદાણીની સંપત્તિ 90.4 અબજ ડોલર (6.78 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ હતી. ત્યારપછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ 89.2 અબજ ડોલર એટલે કે 6.69 લાખ કરોડ રૂપિયા છે. અત્યાર સુધી અદાણી 12માં અને અંબાણી 11માં નંબરે હતા. પરંતુ આજે શેર્સની કિંમતમાં વધઘટના કારણે બંને વચ્ચેનું રેન્કિંગ બદલાયુ છે.

આંકડાકિય માહિતી પ્રમાણે આજે અંબાણીની સંપત્તિ 2.14% એટલે કે 2 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અદાણીની સંપત્તિ 0.32 ટકા એટલે કે 28 કરોડ ડોલર ઘટી છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેર્સમાં પણ આજે અડધા ટકાનો ઘટાડો આવ્યો છે. તેની માર્કેટ કેપ 15.81 લાખ કરોડ રૂપિયા છે.

શેર્સની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ફેસબુકના માર્ક ઝકરબર્ગ અત્યારે 12માં નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ 84.8 અબજ ડોલર છે. તેમની સંપત્તિમાં આજે 29.7 અબજ ડોલર એટલે કે 2.22 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તેઓ 37 વર્ષના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.