Western Times News

Gujarati News

દીકરીના અંતિમ સંસ્કારમાં જતાં પરિવારને નડ્યો અકસ્માત, બે ભાઈઓને પણ કાળ ભરખી ગયો

પાણીપત, હરિયાણાના પાણીપતમાં એક પરિવાર પર દુઃખનો ડુંગર ફાટી નીકળ્યો હતો. દીકરીના મોત બાદ અંતિમ સંસ્કારમાં ઇકો લઈને જતાં પરિવારનો અકસ્માત થતાં બે ભાઈઓ સહિત ૪ ના મોત થયા હતા.પાણીપતમાં એક કરુણ દુર્ઘટના બની હતી જે સાંભળીને કોઈ પણ વ્યક્તિના આંખમાં આંસુ આવી જાય. એક પરિવારમાં દીકરીનું મોત થવાથી પરિવાર શોકાતુર હતો ત્યાં બીજી એનાથી પણ મોટી આફત આવી ગઈ હતી.

પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા પરિવાર સાથે રવાના થઈ ગયા હતા, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે બહેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહેલા તેના બે ભાઈઓ જ દેવને પ્યારા થઈ જશે.

પરિવાર દીકરીના સાસરે પહોંચે તે પહેલા જ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. કડકડતી ઠંડીમાં વરસાદ વચ્ચે પરિવાર રાત્રે ધાબળા વગેરે પહેરીને દીકરીના સાસરે જવા નીકળ્યો હતો. તેઓને નોઈડાથી કૈથલ જવાનું હતું. મુસાફરી લાંબી હતી તેથી મુસાફરોને ઊંઘ પણ આવી રહી, પરંતુ અકસ્માતને કારણે તેઓ કાયમ માટે ઊંઘી ગયા હતા.

પાણીપતમાં દીકરીના મોતથી શોકગ્રસ્ત પરિવારની કારને પણ ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે પરિવારના વધુ બે લોકોનાં મોત થઈ ગયા હતા. અકસ્માતમાં પરિવારે બે પુત્રો ગુમાવ્યા હતા. તેમની સાથે અન્ય એક વ્યક્તિ અને બાળકનું પણ મોત થયું હતું. ટ્રકે ઈકો વાનને કચડી નાંખી હતી અને તેને ઘસડીને દૂર સુધી લઈ ગઈ હતી. જે બાદ સર્જાયેલું કરુણ દ્રશ્ય જાેઈ પોલીસકર્મીઓના પણ હોશ ઉડી ગયા હતા.

દેખીતી રીતે પરિવાર જે વાહનમાં જઈ રહ્યો હતો તેની સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે કારણ કે ઇકો વાહનના ઘણા અકસ્માતો નજરે આવતા હોય છે. આ પરિવારના જીવનમાં પણ નશો, દુઃખ અને વાહન બધુ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માત થતાં જ ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા દારૂની બોટલો મળી આવી હતી, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો અને તેની બેદરકારીએ ૪ લોકોના જીવ લીધા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.