ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડવાની આંશકા
પ્રદેશ નેતાગીરીની કાર્યપધ્ધતિ સામે આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ ઃ અસંતુષ્ટ નેતાઓને મનાવવા માટે મોવડી મંડળે શરૂ કરેલી ડેમેજ કંટ્રોલ સિસ્ટમ |
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત વિધાનસભાની (Vidhansabha) ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસે (Gujarat Congress) જાહેર કરેલા ઉમેદવારો સામે ભારે વિરોધ થઈ રહયો છે જેના પરિણામે કોંગ્રેસમાંથી એક પછી એક આગેવાનો નિષ્ક્રિય થવા ઉપરાંત રાજીનામા ધરવા લાગતાં મોવડી મંડળ સફાળુ જાગ્યુ છે અને વધુ નુકસાન થતું અટકાવવા માટે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક અમદાવાદ (Rajiv Satav in Ahmedabad) મોકલવામાં આવ્યા હતા અને પ્રદેશ નેતાઓ સાથે ચર્ચાઓ કરી પરત દિલ્હી ફર્યા છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પ્રદેશ નેતાઓ અને કાર્યકરોમાં પ્રદેશ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો સામે ભારે રોષ જાવા મળી રહયો છે અને સોશિયલ મીડિયા પર આ રોષ વ્યકત કરવામાં આવી રહયો છે.
પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારોની કાર્યપધ્ધતિ સામે કાર્યકરો અને આગેવાનોમાં ભારે અસંતોષ ફેલાયેલો છે
છેલ્લે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ઉહાપોહ મચ્યો હતો ત્યારબાદ પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી જાકે કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા અને તેમની સાથે તેમના મત વિસ્તારના કાર્યકરોએ પણ કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા ધરી દીધા હતાં
પ્રદેશ કોંગ્રેસમાં સતત પ્રવર્તતા અસંતોષના કારણે કાર્યકરો પણ નિષ્ક્રિય બની ગયા છે આ દરમિયાનમાં ગુજરાત વિધાનસભાની રાધનપુર, અમરાઈવાડી સહિત ૬ બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં અનેક સ્થાનિક આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી પરંતુ ઉમેદવારોના નામો જાહેર થતા જ કોંગ્રેસમાં ભડકો થયો છે.
ઉમેદવારોની પસંદગીને લઈ અનેક મુદ્દાઓ ઉપર કાર્યકરોમાં તથા સ્થાનિક નેતાઓમાં રોષ જાવા મળી રહયો છે અને આ રોષ હવે બહાર આવતા જ એક પછી એક રાજીનામાઓ પડી રહયા છે. કોંગ્રેસમાં ફરી એક વખત ચૂંટણી સમયે ગાબડુ પડતાં મોવડી મંડળ ચોંકી ઉઠયું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા કરાઈ હતી પરંતુ આ પ્રક્રિયા સામે જ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ જાવા મળતો હતો.
રાધનપુર સહિતની બે બેઠકોમાં કોંગ્રેસે બારોબાર મેન્ડેટ આપવા પડયા હતાં આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડવાની શક્યતા જાવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા જયરાજસિંહે (Youth Congress Jayrajsinh) નારાજગી વ્યક્ત કરતાની સાથે જ તેમના ટેકામાં અનેક કાર્યકરો અને આગેવાનો ખુલીને બહાર આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસમાં થયેલા ભડકાના પગલે મોવડી મંડળે તાત્કાલિક પ્રદેશ પ્રભારીને ગુજરાત મોકલયા હતા અને સર્જાયેલી સ્થિતિની વિગતો મેળવવા ઉપરાંત અસંતુષ્ટોને મનાવવા ઉપરાંત પ્રદેશ નેતાઓને તાકિદ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ઉપરાંત પ્રદેશ નેતાગીરીની કાર્ય પધ્ધતિ સામે ફેલાયેલા રોષના કારણે હવે મોટુ ગાબડુ પડવાની આશંકાથી મોવડી મંડળે નારાજ નેતાઓનો સંપર્ક સાધ્યો છે પરંતુ ઉમેદવારોની પસંદગી થઈ છે અને ઉમેદવારી પત્રો પણ ભરાઈ ગયા છે
ત્યારે હવે સંખ્યાબંધ લોકો નિષ્ક્રિય બન્યા છે અને આ પરિસ્થિતિમાં પક્ષ વિરોધી પ્રવૃતિ થવાની પણ આંશકા વ્યકત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસમાં આગામી બે દિવસ ખૂબ જ કપરા બને તેવી શંકા રાજકીય નિષ્ણાતો વ્યકત કરી રહયા છે. ભાજપમાં પણ રાધનપુરની બેઠકને લઈ સ્થાનિક ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આંતરિક અસંતોષ જાવા મળી રહયો છે અને આ મુદ્દો સમગ્ર ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે.