લતા મંગેશકર ન્યુમોનિયાના કારણે ફરી વેન્ટિલેટર પર: હાલત નાજુક
મુંબઈ, છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે, ‘લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. હજુ પણ તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.’ કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમધાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘લતાજીની તબિયત ખરાબ થતા અમે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા છે. ડૉક્ટરની એક ટીમ 24×7 તેમનું ધ્યાન રાખી રહી છે.’
થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના પ્રતીત સમદાનીએ અપડેટ આપી છે.
દીદીની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે. અમે તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.’