સોસાયટી- ફલેટોમા લગ્નપ્રસંગોમાં કોરોનાની ગાઈડલાઈનની ઉપેક્ષા
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસ ઘટ્યા છે જે રાહતના સમાચાર છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. કેસ ઘટે છે પરંતુ મૃત્યુઆંક વધી રહયો છે તે ચિંતાજનક બાબત છે હાલમાં લગ્નગાળો ચાલી રહયો છે આજે વસંતપંચમી અને કાલે એમ બે દિવસ મોટા પ્રમાણમાં લગ્નો યોજાનાર છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લગ્નપ્રસંગોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ઓછુ થઈ રહયુ છે એવું નથી કે સાવ અમલ થતો નથી પરંતુ નાગરિકો કોરોના ઓછો થતા થોડા ટેન્શન ફ્રી થતા બધુ ભુલી ગયા છે.
લગ્નપ્રસંગોમાં ડી.જે.ની કે ઢોલીના તાલ પર ઝુમતા જાનૈયાઓ જાણે કે કોરોનાને ભૂલ્યા છે તેવા દ્રશ્યો નજરે પડી રહયા છે ટોળે વળીને ડાન્સ કરતી વખતે માસ્ક ભાગ્યે જ પહેરેલા નજરે પડે છે જાહેર સ્થળોએ એટલે કે હોટલના બેન્કવેટ કે વાડીમાં લગ્ન હોય તો કોર્પોરેશનની ટીમ ચેકીંગ પણ કરે છે પણ સોસાયટી- ફલેટોમાં યોજાતા પ્રસંગોમાં ધરાર “કોરોનાની ગાઈડલાઈન”નું મોટેભાગે પાલન થતુ નહી હોવાનું જણાય છે. સોસાયટી- ફલેટોમાં પ્રસંગોમાં કોરોનાને લઈને ચેકીંગ થતુ નથી તેથી બિંદાસ્ત રીતે નાગરિકો વર્તી રહયા છે.
કોરોના હળવો થયો છે પણ કેસો તો રોજ આવે છે. ગુજરાતમાં અત્યારે ૭ થી ૮ હજારની આસપાસ કેસ હોય તો અમદાવાદમાં સૌથી વધારે કેસ આવે છે તે ભલવુ જાેઈએ નહી. પ્રસંગોમાં ઉત્સાહનું વાતાવરણ હોય તે સ્વાભાવિક છે પણ પ્રસંગ પૂર્ણ થયા પછી કોઈ કોરોનાનો શિકાર થાય તો અન્યોને તેનો ચેપ લાગુ થઈ જાય છે. કોરોનાના ઓમિક્રોન સ્વરૂપ ઝડપથી ફેલાય છે.
ભૂતકાળમાં લગ્નપ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાગ્રસ્ત થયા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને સોસાયટી- ફલેટોમાં જગ્યા ઓછી હોય અને સંખ્યા વધારે હોય તો ચેકીંગ કોણ કરે છે તે અંગે તપાસ થવી જરૂરી છે. સોસાયટી- ફલેટો સરકારની એસ.ઓ.પી.નું પાલન થાય છે કે કેમ?? તે અંગે કોર્પોરેશને તપાસ કરવી જાેઈએ જેથી કરીને સાચી હકીકત બહાર આવી શકે છે જાેકે મોટાભાગના નાગરિકો કાયદાની બાબતમાં કચાશ રાખતા નથી પણ ગાઈડલાઈનના સંદર્ભમાં ઉપેક્ષા જરૂર થતી હશે.